ઓલ ઈન્ડિયા મેડિકલ સાયન્સીસ(એઈમ્સ) દ્વારા ગત નવેમ્બરમાં હાથ ધરવામાં આવેલી પરીક્ષામાં દેશભરના લાખો યુવક-યુવતીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની નર્સિંગ સ્ટાફના ૬ યુવતીઓ અને ૩ યુવકોએ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને સિવિલ હોસ્પિટલનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તથા સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સાંસદ પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતના યુવક-યુવતીઓ નર્સિંગ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે.
અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં ૫૦થી વધુ ડિગ્રી નર્સિગ કોલેજો મળી છે. ૩૬૦ જેટલી નર્સિગ ઈન્સ્ટીટયુટ મળવાથી ગુજરાતના યુવક-યુવતિઓ માટે આરોગ્યક્ષેત્ર માટે ઉચ્ચ અભ્યાસની તકો વધી છે. ઉત્તીર્ણ થયેલા યુવક-યુવતિઓ ગરીબ દર્દીઓની સેવા કરીને ગુજરાતનું નામ દેશભરમાં રોશન કરે તેવી શુભેચ્છાઓ સાંસદએ પાઠવી હતી.
નોંધનીય છે કે, અગાઉ એઈમ્સની પરીક્ષામાં જુજ પ્રમાણમાં ગુજરાતના યુવાઓની પસંદગી થતી હતી. પરંતુ આ વર્ષે રાજયભરના ૨૫થી વધુ નર્સિગ સ્ટાફે પરીક્ષા પાસ કરી છે. જે પૈકી ત્રણને રાજકોટ, એકને આંધ્રપ્રદેશ, બે ને નાગપુર, એકને ભોપાલ અને બે ઉમેદવારોને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલોમાં ફરજમાં જોડાવાની તક પ્રાપ્ત થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500