નવસારીમાં અસામાજિક તત્વોએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હેરાન કરતાં ત્રસ્ત યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. યુવાને આપઘાત કરવા પૂર્વે વિડીયો બનાવ્યો હતો, જેમાં ત્રણ મહિના અગાઉ યુવાને અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે પગલા નહીં ભરતા આખરે યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ, નવસારી દરગાહ રોડ પર સ્વાગત સોસાયટીમાં સાઈદભાઈ શૌકતભાઈ શેખ (ઉ.વ.40) તેમના પરિવાર સાથે રહે છે. સાઈદભાઈ પાસે અમિતભાઈ તથા બીજા માણસો ખોટી રીતે અવાર-નવાર પૈસાની માંગણી કરતા હતા. જેમના ત્રાસથી કંટાળીને સાઈદભાઈએ ગત 11મીએ સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી.
તબિયત લથડતા પરિવારજનોએ તેમને સારવાર નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે. બનાવ અંગે નવસારી ટાઉન પોલીસે જાણવા જોગ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જયારે સાઈદભાઈએ ઝેરી દવા પીતાં પૂર્વે એક વિડીયો બનાવ્યો હતો. જેમાં જણાવ્યું છે કે, તારીખ 9મી સપ્ટેમ્બરે અમિત જોઘડીયા, ગણેશ ગુટ્ટે અને અન્ય 6 લોકોએ મને જાનથી મારવાનો પ્રયાસ કર્યો હતો. મેં રેલ્વે સ્ટેશન પર પેટા કોન્ટ્રાક્ટમાં લેવલીંગ અને ડિમોલિશનનું કામ રાખ્યું હતું. જે કામ તેઓએ મગજમારી કરી બંધ કરાવી દીધું હતું. મારો એરિયો છે એટલે તમારે મને હપ્તો આપવો પડશે. ખંડણી પેટે તમે 10 લાખ રૂપિયા આપો તો તમને કામ કરવા દઈશું.
આગળ પણ તેઓએ ધમકીઓ આપી મને અને મારા માણસોને માર્યા હતા. જેથી મારી તબિયત પણ ખરાબ થઈ જતાં હું સાઈટ પર ન જઈ શકતા તેઓએ મારા સુપરવાઈઝર પાસેથી થોડા-થોડા કરી 2 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ બાબતે મેં પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી. પરંતુ હજી સુધી કોઈ પગલા લેવાયા નથી. ગત 10મીએ અમિત, ગણેશ અને તેના માણસોએ જો આજે તમે પૈસા ન આપો તો હાથ-પગ તોડી જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. પોલીસ દ્વારા કોઈ યોગ્ય તપાસ ન થતા રાત્રે ધાક-ધમકીભર્યા ફોન કર્યા હતા. જેથી હું પોલીસ મથકે જતા પોલીસે તમારા કાગળો ક્યાં મુકાયા છે તે શોધીશું તેવો જવાબ આપ્યો હતો. મારી પાસે પૈસા નથી અને આવા લુખ્ખા તત્વોને પૈસા ક્યાંથી લાવીને આપું? મજુરી કરીને મારું ગુજરાન ચલાવું છે. જેથી હું ઝેરી દવા ગટગટાવુ છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application