Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામ કરી રહેલ દંપતિને જીવંત વીજતાર અડી જતાં મોત

  • May 17, 2022 

બીલીમોરા નજીકના તલોધ ગામે દેવીપૂજકવાસમાં રહેતા દિલીપભાઈ ભગવાનભાઈ ભીડભીડીયા (ઉ.વ.39) અને સંગીતાબેન દિલીપભાઈ ભીડભીડીયા (ઉ.વ.39) ચોમાસું નજીક હોય ઘરના છતની એંગલનું કામ કરી રહ્યાં હતા. જોકે બપોરે 12 વાગ્યાના અરસામાં ઘરમાં લાકડા કાઢીને લોખંડની એંગલ બેસાડવાનું કામ હાથ ધર્યું હતું. તેઓ ડ્રિલિંગ કરી બાથરૂમ પાસે એંગલ નાંખી રહ્યાં હતા. તે સમયે કામ કરતી વખતે કોઈ જીવંત વીજતાર છૂટો પડ્યો હોવાથી અજાણ પતિ-પત્ની બાથરૂમ પાસે કામ કરતા હતા. તેઓ એંગલ નાંખતા હોય બાથરૂમ તરફથી સંગીતાબેને અને બહારની તરફથી દિલીપભાઈએ એંગલ પકડી હતી. તેઓ એંગલ બેસાડી રહ્યાં હતા.



તે દરમિયાન ત્યાં નજીક છૂટો પડેલો કપાયેલો જીવંત વીજતાર સંગીતાબેન અને દિલીપભાઈ જે એંગલ નાંખી રહ્યાં હતા તેને અડી ગયો હતો. જયારે જીવંત વીજતાર લોખંડને અડતા જ એંગલમાં કરંટ પસાર થયો હતો. વધુમાં સંગીતાબેન બાથરૂમ તરફથી એંગલ પકડી હોય ત્યાં નીચે ભીનું હતું. એંગલને જીવંત વીજતાર અડતા જ પતિ-પત્ની એંગલ સાથે જ ચોંટી ગયા હતા. તેમને પળવાર વિચારવાનો સમય પણ મળ્યો ન હતો. આ ઘટના સમયે દિલીપભાઈનો ભાઈ નજીકમાં હાજર હોય તેણે તુરંત વીજતારને એંગલના સંપર્કથી છૂટો કર્યો હતો. જેથી પતિ-પત્ની એંગલથી છૂટા પડયા હતા. કરંટથી ઘાયલ દિલીપભાઈ અને સંગીતાબેનને રિક્ષામાં મેંગુષી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા.



જ્યાં ફરજ પરના ડોકટરે તેમની તપાસ કરી મૃત જાહેર કર્યા હતા. જયારે ડોક્ટરે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને ઘટનાની જાણ થતાં તલોધ ગામના સરપંચ અને તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતાં. આ બનાવમાં મૃતક પરિવારના બાળકોને જે કોઈ આર્થિક સહાય કે અન્ય કોઈ લાભો મળવાપાત્ર હોય તે માટે સરપંચ અને ઉપસરપંચે તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ ઘટનાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application