નવસારીમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા યુવકને અમેરિકામાં નોકરી અપાવવા મુંબઈની મહિલાએ જણાવી અન્ય એક યુવકનો સંપર્ક કરાવ્યો હતો. આ બંને જણાંએ અમેરિકામાં નોકરી અપાવવાની લાલચ આપી નવસારીના યુવક પાસેથી 6.81 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ યુવકને અમેરિકા નહીં લઈ જતા નવસારીના યુવકે નાણાંની માંગ કરતા રૂપિયા 2.20 લાખ પરત કર્યા હતા અને બાકીના 4.61 લાખ પરત નહીં કરતા તેને નવસારી ટાઉન પોલીસ મથકે મુંબઈની મહિલા સહિત બે સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારીમાં રહેતાં મયુર મહેશચંદ્ર કાયસ્થે ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે, તેઓ ગ્રાહકોને લોન અપાવી કમિશન એજન્ટ તરીકેનું કામ કરે છે. વર્ષ-2016 દરમિયાન સરદાર ટાઉનશીપમાં રહેતી ધર્મિષ્ઠા દિલીપ પટેલ (મૂળ રહે.ભાયંદર, ઇસ્ટ મુંબઈ) નું મકાન વેચવાનું હોય મયુર તેના સંપર્કમાં આવ્યો હતો. તે દરમિયાન મયુરને ધર્મિષ્ઠાએ જણાવ્યું કે, તારે અમેરિકામાં નોકરી માટે જવું હોય તો જણાવજે તેમ જણાવી મુંબઈ રહેતા તેમને ઓળખતા ધવલ મહેશભાઈ દોશી (રહે.થાણા, મુંબઈ) ની ઓળખાણ કરાવી હતી તેમના સગા અમેરિકામાં રહે છે તેઓ નોકરી અપાવી દેશે તેમ જણાવી વાતચીત કરી હતી.
મયુરે 15 દિવસ પછી પ્રોસેસ ફી માટે 35 હજાર અને ત્યારબાદ ટૂકડે-ટૂકડે 6.81 લાખ ધવલભાઈ દોશીને આપ્યા હતા અને હૈદરાબાદ જઈ ઓરીજીનલ પાસપોર્ટ પણ એક એજન્સીમાં આપી દીધો હતો અને 15 દિવસમાં ટિકીટ, વિઝા અને પાસપોર્ટ આવી જશે તેમ જણાવ્યુ હતું. 6 માસ દરમિયાન અમેરિકા જવા માટે માત્ર આશ્વાસન આપ્યાં બાદ ધવલ દોશીએ અમેરિકા જવાનું કેન્સલ થયું છે તેમ મયુરને જણાવ્યું હતું અને નાણાં પરત કર્યા ન હતા. જેથી મયુરે નાણાંની અવારનવાર માંગ કરતા 2 માસ બાદ ટૂકડે-ટૂકડે 2.20 લાખ પરત કર્યા હતા. મયુર કાયસ્થે તેમના બાકી નીકળતા નાણાં અંગે છેતરપિંડી કરનારા ધર્મિષ્ઠા પટેલ અને ધવલ દોશી વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ.એ વધુ તપાસ કરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500