મ્યુકર માઈકોસિસના દર્દીઓની સહાયતા માટે એન.જે. ગ્રુપ ઓફ કંપનીના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂ.૫ લાખની કિંમતના માઈક્રો-ડિબ્રાઈડર નામનું તબીબી સાધન નવી સિવિલ હોસ્પિટલને દાન કરવામાં આવ્યું છે. મ્યુકરના દર્દીઓને સ્વસ્થ થવામાં થવામાં ખૂબ જ મદદરૂપ નિવડતા આ મશીન દ્વારા થતી સર્જરીથી રૂઝ પણ જલ્દી આવે છે.
કંપનીના નિરજ ચોકસી જણાવે છે કે, માઈક્રો-ડિબ્રાઈડરની પોલી નળીના છેડે એક પોર્ટ (કાણા) દ્વારા લોહી, થૂંક, નાકનુ પ્રવાહી, નાના ગઠ્ઠા શોષાઈ જાય છે. આ સાથે રોગિષ્ટ ટિશ્યૂ જેવા કે, મસા, ગાંઠને રોટેટીંગ બ્લેડ દ્વારા કાપીને તેના એકદમ નાના ટુકડા કરી નાખે છે. સાફ-સુથરી રીતે બ્લેડ દ્વારા કપાઈને ટિશ્યૂ કાઢવાને કારણે તંદુરસ્ત ભાગ જેવા કે સાઈનસની તંદુરસ્ત લાઈનિંગ/અસ્તર (mucosa) સારી રીતે બચાવી શકાય છે. જેથી સર્જરી પછી તે ભાગમાં જલ્દી રૂઝ આવે છે. નાકની સર્જરીમાં પણ દર્દીને નાકની સાર-સંભાળ જેવી કે આલ્કલાઈન પ્રવાહી દ્વારા નાકને ધોવાની પ્રક્રિયા ૪ સપ્તાહથી વધુ લાંબો સમય નથી કરવી પડતી જેના કારણે દર્દીને ઝડપભેર સ્વસ્થ થવામાં મદદ મળે છે. ઓછા સમયના જનરલ એનેસ્થેસિયા આપી શકાય છે, જેથી દર્દી સુરક્ષિત રહે છે. રક્તસ્ત્રાવ પણ નહિવત પ્રમાણમાં થાય છે. આમ, આ સાધન મ્યુકર દર્દીઓ માટે ખુબ ઉપયોગી નીવડશે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500