વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની ગુગલની એપ્લીકેશન ડેવલપમેન્ટ સમયે બિલીંગ કરવાની સિસ્ટમથી દક્ષિણ કોરિયામાં મોબાઈલ એપ બનાવતા લોકોને જંગી કમીશન ચુકવવું પડે છે. કંપનીની આ નીતિ સામે શુકવારે સ્થાનિક ગ્રાહકોએ એક પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં કંપનીના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) સુંદર પીચાઈ, દક્ષિણ કોરિયા ખાતેના સ્થાનિક CEO નેન્સી વોકર અને ગુગલના એશિયા પેસિફિક ક્ષેત્રના વડા સ્કોટ બીમોન્ટ સામે સિઓલના એક પોલીસ સ્ટેશનમાં સિટિઝન્સ યુનાઈટેડ ફોર કન્ઝ્યુમર સોવરનીટી (CUCS) દ્વારા ફરિયાદ કરી હોવાનું સ્થાનિક અખબાર ધ કોરિયા ટાઈમ્સમાં પ્રકશિત થયું છે.
મોબાઈલ એપ બજારમાં ગુગલનો હિસ્સો 74.6 ટકા જેટલો છે. એપમાં જ પેમેન્ટની નીતિના કારણે ગ્રાહકો ઉપર ખર્ચનું ભારણ વધી રહ્યું છે અને તેનાથી એપ ડેવલપરના બિઝનેસને અસર થઇ છે એવું આ ગ્રાહક સંગઠનના એક પ્રતિનિધિએ અખબારને જણાવ્યું છે. ગુગલ ઉપર જે ચીજોની કિંમત ચૂકવવી પડે છે તેના ભાવ દક્ષિણ કોરિયન કંપનીઓએ સ્થાનિક ગ્રાહકો માટે વધારી દીધા છે. જે એપમાં ગુગલ સિવાયની બાહ્ય પેમેન્ટ વ્યવસ્થા છે તેને હટાવવા માટે અમેરિકન ટેકનોલોજી કંપનીએ શરૂઆત કરી છે. આ બિલીંગ વ્યવસ્થાની કોરિયામાં તા.૧ જૂનથી શરૂઆત કરવામાં આવી છે.
ગુગલ પેમેન્ટ સીસ્ટમમાં ગુગલ 15 થી 30 ટકા જેટલું કમીશન લઇ રહી છે અને તેના કારણે મોબાઈલ એપ ખરીદવા માટેનો ખર્ચ વધી રહ્યો છે. માર્ચ મહિનામાં જ દક્ષિણ કોરિયાએ પોતાના સ્થાનિક કાયદામાં ફેરફાર કર્યો છે. નવા કાયદા અનુસાર કોઇપણ કંપની પોતાની જ પેમેન્ટ સિસ્ટમનો આગ્રહ રાખે, બાહ્ય પેમેન્ટ બંધ કરે તેને એપ સ્ટોરમાંથી હટાવી દેવાંમાં આવશે એવો નવો નિયમ અમલી બન્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500