Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હી ખાતે નિર્માણ થનાર ભારત માતાની મૂર્તિની બનાવટમાં ઉપયોગમાં લેવાનાર પાણી અને માટી કૃષિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે અર્પણ

  • July 23, 2022 

દિલ્હીમાં નિર્માણ થનાર ભારત માતાની મૂર્તિના નિર્માણ માટે ઓલપાડ તાલુકામાંથી એકત્ર થયેલ માટી અને પાણીને કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે નહેરૂ યુવા કેન્દ્રના યુવા પ્રતિનિધિઓને અર્પણ કરવામાં આવી હતી. નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા આ માટી અને પાણી આગામી તા.૧૨ ઓગસ્ટે દિલ્હી ખાતે પહોંચાડવામાં આવશે. મંત્રીશ્રીએ આ વેળાએ કુદરતી આપત્તિમાં મુત્યુ પામેલી દુધાળી ભેંસોના પાંચ પશુપાલકોને રૂ.૨.૨૬ લાખની સહાયના ચેકોનું વિતરણ પણ કર્યું હતું.


ઓલપાડની શ્રી પી.કે.દેસાઇ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી લોખંડ એકત્ર કરી નર્મદાના એકતાનગર (કેવડિયા) ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની મૂર્તિ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ કરાયું છે, એવી જ રીતે સમગ્ર દેશમાંથી પાણી અને માટી એકત્ર કરી દિલ્હી ખાતે ભારત માતાની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.જેમાં સુરતનું ઓલપાડ પણ યોગદાન આપી રહ્યું છે, જે આપણા માટે ગૌરવની ક્ષણ છે એમ ઉમેર્યું હતું.


તેમણે ઓલપાડ કોલેજના ઉત્તમ શિક્ષણની સરાહના કરતા કહ્યું કે, ૩૦ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ કોલેજમાં પ્રવેશ માટે વેઇટીંગ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં હજુ પણ અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરીને ઉચ્ચ અધિકારીઓ બની દેશસેવા કરે એવી ભાવના મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપનાર યુવાનોની પ્રતિભા નિખારવા માટે સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. યુવાનો ખેલકુદ ક્ષેત્રમાં આગેકુચ કરે એ માટે દર વર્ષે ખેલમહાકુંભ યોજવામાં આવે છે એમ જણાવી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ વેળાએ મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application