ડાંગ જિલ્લામાં ચાલી રહેલા વિકાસકામો સમય મયાદામાં પૂર્ણ થાય, અને દરેક કામો તેના નીતિનિયમો મુજબ ગુણવત્તાયુક્ત થાય તેની વિશેષ તકેદારી રાખવાની અમલીકરણ અધિકારીઓને તાકીદ કરતા પ્રભારી મંત્રીએ, રાજ્ય સરકાર ડાંગના વિકાસ કામોની સતત ચિંતા કરી રહી હોય ત્યારે આવા કામો સત્વરે પૂર્ણ કરવાની સંબંધિતોને સુચના આપી હતી. ડાંગના જિલ્લા આયોજન મંડળના સને ૨૦૨૪/૨૫ના કુલ ૬૦૦ લાખના વિકાસકાર્યોને મંજુર કરતા મંત્રીશ્રીએ સને ૨૦૨૦/૨૧ થી ૨૦૨૩/૨૪ના કામોની સમીક્ષા હાથ ધરી, સાંપ્રત સમયને ધ્યાને લેતા વિકાસ કામો તેની નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે ખુબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું. વિકાસ કામોની ઝીણવટભરી સમીક્ષા કરતા મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓને વ્યક્તિગત અને સામુહિક વિકાસકામો તથા યોજનાઓમાં પારદર્શિતા જળવાઈ રહે તેનો ખ્યાલ રાખવાની પણ સુચના આપી હતી.
ફેર દરખાસ્તના કામો પણ સવેળા રજૂ કરવાની મંત્રીશ્રીએ સુચના આપી હતી. તાલુકાઓમાંથી રજૂ થતા વિકાસ કામોમાં સ્થાનિક ધારાસભ્યશ્રી સહિતના પદાધિકારીઓને પણ વિશ્વાસમાં લઈ, પરસ્પર પરામર્શ બાદ કાર્યો રજૂ કરવાની પ્રભારી મંત્રીશ્રીએ અપીલ કરી હતી. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે પ્રાથમિક જરૂરિયાતના કામોનો આયોજન મંડળમાં, અને અન્ય બાકી કામોને અન્ય સદર/યોજનાઓમાં સમાવી સર્વગ્રાહી આયોજનની હિમાયત કરી હતી. વિકાસ કામો બાબતે સૌ પદાધિકારીઓની સહમતી અને સહભાગિતા ઉપર ભાર મૂકી, ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોગ્ય કાર્યોમાં સ્થાનિક પદાધિકારીઓને આમંત્રિત કરવાની કાર્યપ્રણાલી હાથ ધરવા પણ અનુરોધ કર્યો હતો. દરમિયાન ડાંગ કલેકટર અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપતા બેઠકમાં રજુ કરવામાં આવતી વિગતો ચોકસાઈ સાથે રજુ કરવા, અને કોઈ પણ કામ બેવડાઈ નહિ તે સુનિશ્ચિત કરવાની તાકીદ કરી હતી. ચર્ચામાં ભાગ લેતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથારે પુરક વિગતો રજુ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500