Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મેરી મીટ્ટી, મેરા દેશ : આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણી સંદર્ભે ભરૂચ જિલ્લા કલેકટરનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

  • August 03, 2023 

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ' મેરી મીટ્ટી, મેરા દેશ' કાર્યક્રમ યોજાશે. જે અન્વયે જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. જેમાં કલેકટરશ્રીએ કાર્યક્રમની તૈયારીઓને લગતા વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ‘માટીને નમન વીરોને વંદન’ થીમ અંતર્ગત વિવિધ તબક્કામાં તા.૦૯થી તા.30 ઓગસ્ટ સુધી પંચાયત, બ્લોક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો આ કાર્યક્રમમાં સહભાગી થશે.



આ કાર્યક્રમ અંતર્ગત પંચાયત સ્તરે 'મિટ્ટી ઓફ ધ મધરલેન્ડ' કાર્યક્રમ યોજાશે, જેનું આયોજન ભરૂચ જિલ્લા સહિત દેશની તમામ પંચાયતોમાં થશે. દરેક પંચાયતમાં વીરોને નમન કરવાના હેતુથી એક શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે.આ તકતીમાં વડાપ્રધાનશ્રીના વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ, આઝાદીના અમૃત મહોત્સવનો લોગો સહિતની વિગતો હશે. વીરોની વ્યાખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સુરક્ષા કર્મચારી (આર્મી, નેવી, એરફોર્સ) રાજ્ય પોલીસ દળ, સીએપીએફના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે કર્મીઓ પોતાની ફરજ દરમિયાન શહીદ થયા છે, તેમને આ શિલાફલકમ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટી અથવા દીવડા લઈને કરશે.



ઉપસ્થિતો પોતાની સેલ્ફી, આ અભિયાનની વેબસાઈટ પર અપલોડ કરશે. આ ઉપરાંત દરેક પંચાયતમાં ૭૫ સ્વદેશી રોપાઓનું વાવેતર કરી અને 'વસુધા વન' તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમમાં વીરોને વંદન કરવાના હેતુ માટે સ્વાતંત્ર્ય સેનાની/વીરોના પરિવારને આમંત્રિત કરવામાં આવશે, તેમનું સન્માન કરવામાં આવશે. પંચાયતમાં યોજાનાર દરેક કાર્યક્રમમાં ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે. આ ઉપરાંત માટીને નમન કરવાના હેતુથી ગામની માટી એકઠી કરી અને પંચાયતમાં લાવવામાં આવશે, આ માટી બ્લોકમાં પહોંચશે. બ્લોક ખાતેથી દરેક તાલુકા દીઠ એક યુવાન પરંપરાગત પહેરવેશ પહેરી આ માટીના કળશને દિલ્હી લઈ જશે. આ કાર્યક્રમ પંચાયત ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ યોજાશે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા દ્વારા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application