છેલ્લા કેટલાંક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન એજન્સી દ્વારા દેશમાં ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આ વર્ષે સામાન્ય કરતાં ત્રણ ટકા વધુ વરસાદ પડવાની શક્યતા દર્શાવામાં આવી છે. જેમાં આગામી જૂન મહિનાથી જ ચોમાસાની શરૂઆત થવાની ભીતિ વર્તાઈ રહી છે. હવામાન એજન્સી મુજબ, લા લીનોની પરિસ્થિતિમાં બદવાલ જોવા મળી રહ્યો છે, ત્યારે વર્ષ 2025માં ચોમાસું સામાન્ય રહેશે. જેમાં 103 ટકા વરસાદ પડવાની શક્યતા છે. આગામી જૂન અને સપ્ટેમ્બર, 2025માં સામાન્ય કે તેથી વધુ વરસાદ ખાબકી શકે છે, જેમાં 80 ટકા વરસાદની શક્યતા છે.
આસામ, અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે જૂન મહિનામાં કેરળ, કર્ણાટક, કોંકણ અને ગોવામાં વધુ વરસાદ પડશે. જુલાઈ મહિનામાં પશ્ચિમ ભારતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે ઑગસ્ટમાં દેશના મધ્ય અને પૂર્વીય રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ અને સપ્ટેમ્બર મહિનામાં મધ્ય અને પશ્ચિમના રાજ્યોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં તમિલનાડુ, કોંકણ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ વરસી શકે છે.
ખાનગી હવામાન એજન્સીના આંકડા મુજબ, દેશભરમાં જૂનમાં 6.5 ઇંચનો 96 ટકા, જુલાઈ મહિનામાં 11 ઇંચનો 102 ટકા, ઑગસ્ટ મહિનામાં 10 ઇંચનો 108 ટકા અને સપ્ટેમ્બર મહિનામાં 6.6 ઇંચનો 104 ટકા અંદાજિત વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આજરોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી 15 એપ્રિલ સુધી શુષ્ક હવામાન રહેવાનું હોવાથી લોકોને ગરમીથી રાહત મળી રહી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500