મહારાષ્ટ્ર સાયબર સેલે સમય રૈનાના 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' શોના અત્યાર સુધીના તમામ એપિસોડમાં ભાગ લેનારા દરેક લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. આ સાથે, સાયબર સેલે 42 લોકોને પૂછપરછ માટે સમન્સ પણ મોકલવામાં આવ્યા છે. પૂછપરછ માટે જેમને સમન્સ પાઠવવામાં આવ્યા છે, તેમાં શો સાથે સંકળાયેલા આર્ટિસ્ટો, પ્રોડ્યુસર્સ અને ઈન્ફ્લુએન્સરનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સાયબર સેલના ઇન્સ્પેક્ટર જનરલ યશસ્વી યાદવે સોમવારે જણાવ્યું હતું કે, 'એજન્સીએ શો સાથે સંબંધિત તમામ 42 લોકોને સમન્સ પાઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત અધિકારીઓએ તપાસમાં સામેલ તમામ વીડિયો દૂર કરવાનો આદેશ આપ્યો છે અને એમ પણ કહ્યું છે કે તપાસ ચાલુ હોય ત્યાં સુધી શોનું એકાઉન્ટ બંધ રાખવામાં આવશે.
શરૂઆતમાં સાયબર અધિકારીઓએ વિવાદાસ્પદ એપિસોડ હટાવ્યા હતા, પરંતુ બાદમાં રૈનાને કેસ સાથે સંબંધિત તમામ વીડિયો હટાવવા કહેવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્ટર જનરલ યશસ્વી યાદવે જણાવ્યું હતું કે, 'પ્રથમ દ્રષ્ટિએ આ મામલે સમય રૈના, અપૂર્વ માખીજા અને રણવીર અલ્હાબાદિયા આ કેસમાં આરોપી છે. દેવેશ દીક્ષિત, રઘુ રામ અને અન્ય એક વ્યક્તિનું નિવેદન પહેલા જ નોંધવામાં આવ્યું છે. આ કેસમાં મહારાષ્ટ્ર સાયબર સેલે સમય રૈનાને 18 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યો છે.
હાલમાં તે ભારતમાં ન હોવાથી તેણે સાયબર સેલને અપીલ કરી હતી કે, વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછમાં સામેલ કરવામાં આવે, પરંતુ સાયબર સેલે સમયની આ અપીલને ફગાવી દીધી અને કહ્યું કે, તેમણે પોતાનું નિવેદન નોંધાવવા માટે રૂબરૂ હાજર રહેવું પડશે. ગયા અઠવાડિયે સ્ટેન્ડ-અપ કોમેડિયન અને યુટ્યુબર સમય રૈનાનો શો એ વખતે વિવાદમાં આવ્યો, જ્યારે યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાનું એક વાંધાજનક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું. માતા-પિતાને લઈને રણવીરના આ નિવેદનથી બધા ચોંકી ગયા અને લોકોએ ખૂબ ગુસ્સો ઠાલવ્યો હતો. જ્યારે મામલો વધુ વકર્યો ત્યારે ઘણી જગ્યાએ પોલીસમાં ફરિયાદો નોંધાઈ. આ મામલે મહારાષ્ટ્ર અને આસામમાં પણ કેસ નોંધાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500