પહલગામ આતંકી હુમલા બાદ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી ફેલાવવા બદલ ભારત સરકારે ૧૬ પાકિસ્તાની યુટયુબ ચેનલોને બ્લોક કરી દીધી છે. આ ચેનલોના કુલ ૬.૩ કરોડ સબ્સ્ક્રાઈબર્સ હતા. આ કાર્યવાહી કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણ પર કરવામાં આવી હતી.
બ્લોક કરવામાં આવેલી ચેનલોમાં પાકિસ્તાની સમાચાર ચેનલ ડોન, સામા ટીવી, એરી ટીવી, બોલ ન્યુઝ, રફ્તાર, જીઓ ન્યૂઝ અને સુનો ન્યુઝ સામેલ છે. આ સાથે જ પાકિસ્તાની પત્રકારો ઈર્શાદ ભટ્ટી, અસમા શિરાજી, ઉમર ચીમા અને મુનીબ ફારુકની યુટયુબ ચેનલો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું કે, યુટયુબ ચેનલ ભારત, ભારતીય આર્મી અને સુરક્ષા એજન્સીઓ વિરૂદ્ધ ખોટી ખબરો ફેલાવીને ભ્રામક પ્રચાર કરી રહી હતી. ઉલ્લેખનીય છે કે, પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવગ્રસ્ત બન્યા છે. આ હુમલામાં ૨૫ પર્યટકો અને એક કાશ્મીરી નાગરિકની હત્યા કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500