Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોદી સરકારનાં ત્રીજા કાર્યકાળમાં આ વખતે સાત મહિલા સાંસદોને સ્થાન મળ્યું, જાણો કોણ છે આ સાત મહિલાઓ...

  • June 10, 2024 

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તારીખ 9 જૂને રાષ્ટ્રપતિ ભવન ખાતે ત્રીજી વખત વડાપ્રધાન શપથ લીધા છે. મોદી કેબિનેટમાં આ વખતે સાત મહિલા સાંસદોને સ્થાન મળ્યું છે. જેમાં નિર્મલા સીતારમણ, અન્નપૂર્ણા દેવી, અનુપ્રિયા પટેલ, શોભા કરંદલાજે, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકુર અને નીમુબેન બાંભણિયા સામેલ છે. 64 વર્ષીય નિર્મલા સીતારમણ રાજ્યસભા સાંસદ છે. જ્યારે અન્નપૂર્ણા દેવી ઝારખંડની કોડરમા બેઠકમાંથી જીત્યા છે. રક્ષા ખડસે મોદી કેબિનેટના સૌથી યુવા મહિલા સાંસદ છે. 37 વર્ષીય રક્ષા ખડસે એનસીપીના નેતા એકનાથ ખડસેના દિકરાની વહુ છે. જે રોવર બેઠકમાંથી જીત્યા છે.


નિર્મલા સીતારમણ...

નિર્મલા સીતારમણે 31 મે, 2019માં કોર્પોરેટ બાબતોના મંત્રી અને ભારતના 28માં નાણા મંત્રી પદે શપથ લીધા હતા. તેમણે ભારતની બીજી મહિલા રક્ષા મંત્રી તરીકે પણ કામ કર્યું છે. સીતારમણ 2006માં ભાજપમાં સામેલ થયા હતા. 2010માં પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા સ્વરૂપે નિમણૂક થઈ હતી. 2014માં નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં આંધ્રપ્રદેશમાંથી એક જૂનિયર મંત્રી તરીકે સામેલ થયા હતા. અને આંધ્રપ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય પદે ચૂંટાયા હતા. નિર્મલા સીતારમણનો જન્મ 18 ઓગસ્ટ, 1959ના તમિલનાડુના મદુરાઈમાં થયો હતો.

અન્નપૂર્ણા દેવી...

મોદી કેબિનેટમાં ઝારખંડમાંથી ચૂંટાઈ આવેલા અન્નપૂર્ણા દેવી બીજી વખત સાંસદ બન્યા છે. અગાઉ 2019માં કોડરમામાંથી ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા. અગાઉ ભાજપે તેમને શિક્ષણ રાજ્યમંત્રી બનાવ્યા હતાં. આ વખતે તેમના પર વિશ્વાસ વ્યક્ત કરતાં બીજી વખત મંત્રી પદ આપવામાં આવ્યું છે. અન્નપૂર્ણા દેવી યાદવ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોમાંથી એક છે. અગાઉ તે રાષ્ટ્રીય જનતા દળમાં હતાં. પતિના મૃત્યુ બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. અન્નપૂર્ણા દેવી પહેલા આરજેડીમાં હતાં. બાદમાં ભાજપમાં જોડાયા હતા.

અનુપ્રિયા પટેલ...

અનુપ્રિયા પટેલ ઉત્તરપ્રદેશના રાજકારણમાં સૌથી યુવા મહિલાનો ચહેરો છે. તે પોતાના પિતા સોનેલાલની પાર્ટી અપના દળ (એસ)નું પ્રતિનિધિત્વ કરે છે. અપના દળ પાર્ટી બે જૂથમાં વહેંચાયેલી છે. અપના દળ (એસ) જે અનુપ્રિયા પટેલના નામથી જાણીતી છે. અને અપના દળ (કૃષ્ણા પટેલ જૂથ)નું પ્રતિનિધિત્વ તેમની માતા કરે છે. અનુપ્રિયા પટેલનો જન્મ 29 એપ્રિલ, 1981માં ઉત્તરપ્રદેશ કાનપુરમાં થયો હતો.

શોભા કંરદલાજે...

ત્રીજી વખત લોકસભા સાંસદ શોભા કરંદલાજે ફરી એકવાર મોદી મંત્રીમંડળમાં સામેલ તયા છે. અગાઉ તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા. 57 વર્ષીય શોભા સામાજિક કાર્યોમાં ગ્રેજ્યુએશન અને સમાજ શાસ્ત્રમાં એમએનો અભ્યાસ કર્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદુરપ્પાના અંગત લોકોમાં સામેલ શોભાનો ભાજપ સાથે સંબંધ 25 વર્ષ જૂનો છે.

રક્ષા ખડસે...

મોદી મંત્રીમંડળમાં સામેલ રક્ષા ખડસેને કોમ્પ્યુટર સાયન્સમાંથી બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. 37 વર્ષીય રક્ષા ખડસે મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા એકનાથ ખડસેના દિકરાની વહુ છે. ખડસે 26 વર્ષીય વયમાં પ્રથમ વખત સાંસદ બન્યા હતા. તેમના પતિ નિખિલ ખડસેએ ગોળી મારી આત્મહત્યા કરી હતી.

સાવિત્રી ઠાકુર...

ધાર લોકસભા બેઠકમાંથી જીત હાંસલ કરનારી આદિવાસી મહિલા સાવિત્રી ઠાકુર સાંસદ અને કેન્દ્રીય મંત્રીમંડળમાં મધ્ય પ્રદેશના માલવા અને નિમાડ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરશે. 46 વર્ષીય સાવિત્રી ઠાકુર મધ્યપ્રદેશમાં ભાજપનો લોકપ્રિય ચહેરો છે. પંચાયતથી માડી સંસદ સુધીની સફર તેમણે જોઈ છે. 2024માં ફરી પાછા સાંસદ બન્યા છે.

નિમુબેન બાંભણિયા...

નિમુબેન ગુજરાતના ભાવનગરના સાંસદ છે. તે રાજનેતા હોવાની સાથે કાર્યકર પણ છે. લોકસભા ચૂંટણી પહેલાં તેઓ મેયર પણ હતા. ભાવનગરમાંથી પૂર્વ સાંસદ ભારતીબેન શાયલના સ્થાને તેમણે ચૂંટણી લડી હતી. જેમાં વિપક્ષને સાડા ચાર લાખ મતોની જંગી બહુમતીથી હરાવ્યા હતા. 1966માં જન્મેલા નિમુબેન સાયન્સ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ છે, અને બીએડ પણ કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News