સુરતનાં પાલનપુર જકાતનાકા વિસ્તારની પ્રશાંત નગર સોસાયટી-2 નજીક રોકડીયા હનુમાન મંદિર સામે મોડી રાતે ચાલતા-ચાલતા અથડાવાની સામાન્ય ઘટનામાં ચારથી પાંચ તરૂણે ચપ્પુના ઘા મારી યુ.પી. વાસી યુવાનને મોતને ઘાત ઉતારતા રાંદેર પોલીસ દોડતી થઇ ગઇ હતી. મળતી માહિતી મુજબ, પાલનપુર જકાતનાકા સ્થિત પ્રશાંત સોસાયટી-2માં ભાડેથી રહેતો અને પ્લમ્બરનું કામ કરતો રામદીન સિતેઇ નિશાદ (ઉ.વ.22., મૂળ રહે.સબદીયા,તા.જયસીંગપુર,સુલતાનપુર,યુ.પી) અને તેની સાથે રહેતો મામાનો દીકરો રવિન્દ્ર હરીલાલ નિશાદ (ઉ.વ.24., મૂળ રહે.ભવાનીપુર, તા.મોદીગરપુર, સુલતાનપુર, યુ.પી) સહિત ચાર રૂમ પાર્ટનર મોડી રાતે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ચાલવા નીકળ્યા હતા.
દરમિયાનમાં રહેણાંક સોસાયટી નજીક રોકડીયા હનુમાન મંદિર સામેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક તરૂણ સાથે અથડાતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં તરૂણ અને તેના મિત્રોએ ઢીકમુક્કીનો માર મારવા ઉપરાંત ચપ્પુ વડે હુમલો રવિન્દ્રના ડાબા પડખામાં ત્રણથી ચાર ઘા મારી દીધા હતા. જેને પગલે રવિન્દ્ર ઘટના સ્થળે જ બેભાન થઇ ગયો હતો. જેને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવે તે પહેલા જ તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ તુરંત જ દોડી ગઇ હતી અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત ચાલતા-ચાલતા અથડાતા થયેલા ઝઘડામાં ચપ્પુ વડે હુમલો કરી શ્રમજીવી યુવાનને મોતને ઘાત ઉતારનાર તમામ તરૂણ છે અને પોલીસે તેઓને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500