સામાન્ય રીતે કોઈ મોટી દુર્ઘટના થયા બાદ જ પ્રશાસન જાગતું હોય છે. અગાઉ મોટા અગ્નિકાંડ બન્યા બાદ રાજ્ય સરકારના આદેશના પગલે સ્થાનિક પ્રશાસન દ્વારા ફાયર એનઓસી અંગે તપાસ આદરવામાં આવી હતી. ત્યારે આ વખતે પ્રશાસન દ્વારા સ્કૂલવાન ચાલકો દ્વારા નિયમોનો ભંગ કરાતો હોય, તે મામલે અગમચેતી દાખવી અને કાર્યવાહી આદરી છે, જેના ભાગરૂપે નિયમભંગ કરતા 26 વાહનચાલકોને આજે ડીટેઈન કરી દંડ ફટકાર્યો હતો.
સ્કૂલ વાનના ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોવાનું દેખાઈ રહ્યું છે. મોટાભાગના વાહનોમાં પેસેન્જરની ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવામાં આવે છે. જેના કારણે બાળકોને જોખમકારક મુસાફરી કરવી પડે છે. ઘેટાં બકરાની જેમ રીક્ષા કે વાનમાં બેસાડીને બાળકોને સ્કૂલમાં મુકવા લઈ જાય છે. આવા બાળકોની સલામતી માટે ખેડા જિલ્લા પોલીસે આજે શાળા શરૂ થતાની સાથે જ જિલ્લામાં વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. એક વાહનમાં મહત્તમ બાળકોને બેસાડી અને કમાણી કરી લેવાની વાહનચાલકોની લાલસાના કારણે ક્યારેક કોઈ અકસ્માતમાં મોટી જાનહાનિ થવાના ભણકારા રહેતા હોય છે.
આ વચ્ચે આજે જિલ્લા પોલીસ પ્રશાસને પોતાની ડ્રાઈવમાં જિલ્લાભરમાં સ્કૂલવાહનોની તપાસ આદરી હતી અને સ્કૂલ વાહનમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડનાર તથા પ્રાઇવેટ વાહનો હોવા છતાં નિયમનો ભંગ કરી સ્કૂલમાં વાન ફેરવતા વાહન ચાલકો મળી કુલ 26 સ્કૂલ વાહનો ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હોવાથી તેને ડીટેઈન કર્યા છે. જ્યારે ચાર વાહન ચાલકોને સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો છે. જિલ્લામાં સ્કૂલ વાનમાં ફરતા વાહનોમાં ઘણા વાહનો પ્રાઇવેટ પાસગના વાહનો છે. નિયમ એવો છે કે, જે વાહનો ટેક્સી પાસિંગમાં નોંધાયા હોય તેવા વાહનોને જ સ્કૂલવાનમાં ફેરવી શકાય છે. છતાં આવા વાહનો જોવા મળે છે. પોલીસ ખાસ કરીને આવા વાહન ચાલકો સામે લાલ આંખ કરે તેવી માંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application