Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રખ્યાત જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલવામાં આવ્યો : 46 વર્ષ સુધી એકઠા થયેલ દાનની રકમ કરોડો રૂપિયા હોવાનું અનુમાન

  • July 15, 2024 

દેશભરમાં પ્રખ્યાત ઓડિશાનાં ભંડારમાં આટલા વર્ષ સુધી રૂપિયા, જવેરાત સહિતનું દાન એકઠુ કરવામાં આવ્યું હતું. જેને લઇ જવા માટે પાંચ ફૂટ લાંબા અને અઢી ફૂટ ઉંચા છ પટારા મંગાવવામાં આવ્યા હતા. આ પટારા ભરીને બાદમાં આ દાનને સુરક્ષીત સ્થળે લઇ જવામાં આવ્યું હતું. 46 વર્ષ સુધી એકઠા થયેલા દાનની રકમ કરોડો રૂપિયા હોવાનું અનુમાન છે. જ્યારે આ મંદિરે લોકો સોનાનું પણ દાન કરતા આવ્યા છે. હાલ માત્ર દાનને એકઠુ કરાયું છે, તેની કુલ વેલ્યૂ કેટલી છે તે જાણવા માટે સરકારની મંજૂરી બાદ ગણતરી કરવામાં આવશે. સોમવારે બપોરે મુહુર્ત અનુસાર 1.28 કલાકે 12મી સદીનાં પ્રખ્યાત જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલવામાં આવ્યો હતો.


આ સમયે ઓડિશા હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ બિશ્વનાથ રથ, મંદિરના મુખ્ય વહિવટકર્તા અરબિંદા પાધી, એએસઆઇ સુપ્રિડેન્ડન્ટ ડીબી ગદાનાયક અને પુરીના પૂર્વ શાસકોના પ્રતિનિધિ ગજાપતિ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ છ વર્ષ પહેલા પણ આ રત્ન ભંડારને ખોલવાનો પ્રયાસ થયો હતો પણ ચાવીઓ ના મળતા અંતે 17 સભ્યોની ટીમ પરત આવી હતી. જે બાદ ચાવી ખોવાઇ જવાના દાવાને લઇને રાજ્યમાં ભારે રાજકારણ જોવા મળ્યું હતું, તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ બીજેડી અને ભાજપે આ રત્ન ભંડારને પ્રચારનો મુદ્દો બનાવ્યો હતો.


ગયા વર્ષે ઓડિશા હાઇકોર્ટે વિવાદ પર વિરામ મુક્યો અને રત્ન ભંડારને ખોલવાનો આદેશ આપ્યો હતો, જે બાદ પૂર્વ પટનાયક સરકારે આ માટે એક કમિટીનું ગઠન કર્યું હતું જેમાં હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ પણ સામેલ કરાયા હતા. આ કમિટીની દેખરેખમાં અંતે હવે સોમવારે 46 વર્ષ બાદ મંદિરના રત્ન ભંડારને ખોલવામાં આવ્યો હતો, જોકે આટલા વર્ષો બાદ એકઠા થયેલા નાણા અને જ્વેલરી વગેરેને જોઇને સૌ કોઇ ચોંકી ઉઠયા હતા. તમામ દાનને છ મજબૂત પેટીઓમાં ભરીને સ્ટ્રોંગ રૂમમાં સીલ મારીને રાખવામાં આવ્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે રત્ન ભંડારનો બીજો દરવાજો ખોલવામાં આવ્યો.


તે સમયે ત્યાં પુરીના એસપી પિનાક મિશ્રા પણ હાજર હતા, તેઓ તે સમયે જ રત્ન ભંડાર પાસે બેભાન થઇ ગયા હતા. જોકે તેઓ કેમ બેભાન થઇ ગયા તેને લઇને કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી, હાલ ડોક્ટરો તેમને સારવાર આપી રહ્યા છે. રત્ન ભંડાર ખોલવામાં આવ્યો તે પહેલા મંદિરની બહાર અને અંદર સુરક્ષા માટે મોટા પ્રમાણમાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ સમયે મંદિરની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ મંદિરના રત્ન ભંડારને છેલ્લે 1978માં ખોલવામાં આવ્યો હતો, જે બાદ તેને ક્યારેય ખોલવામાં નથી આવ્યો, તેથી તેમાંથી બહાર કઢાયેલા દાનની રકમ કરોડોમાં હોવાની શક્યતાઓ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application