મહાકુંભથી આવતા કે જતાં આ વખતે અનેક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે ત્યારે આજે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. યુપીના પ્રયાગરાજ એટલે કે જ્યાં મહાકુંભ યોજાયો છે એ જ શહેરમાં ભયંકર માર્ગ અકસ્માત થયો છે જેમાં એક બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરમાં 10 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય 19 લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. પોલીસે ઘટના સ્થળની મુલાકાત બાદ માહિતી આપી હતી કે, આ દુર્ઘટના પ્રયાગરાજ મિરઝાપુર હાઈવે પર સર્જાઈ હતી.
છત્તીસગઢના કોરબાથી શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરવા મહાકુંભ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન જ મોટો અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ટીમ ધસી આવી હતી અને ઘાયલોને તાત્કાલિક ધોરણે સ્થાનિક હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકાંક પણ વધી શકે છે. પ્રયાગરાજના મેજા વિસ્તારમાં આ ભીષણ અકસ્માત શુક્રવાર-શનિવારની રાતે 2 વાગ્યે સર્જાયો હતો. એક પૂરપાટ જતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કર થઇ હતી.
આ ટક્કરને કારણે જોરદાર ધડાકો થયો હતો અને બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તમામ મૃતકોમાં બોલેરોમાં સવાર શ્રદ્ધાળુઓ સામેલ છે. સ્થાનિકોએ ઘટના બાદ ત્વરિત લોકોને બચાવવા પ્રયાસ હાથ ધર્યા હતા અને પોલીસને જાણ કરી હતી. મૃતકોના શબ કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500