વડોદરા શહેર નજીક ભાયલી વિસ્તારમાં પુત્રી સાથે રહેતા અને આઇ.ટી. કંપનીમાં નોકરીની સાથે કોમ્પ્યુટરનો બિઝનેસ કરતા શખ્સે ૮ વર્ષની પુત્રી સાથે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જે અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ પિતા અને પુત્રીના મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આપઘાતની પાછળ ભાગીદારો સાથેનો વિવાદ જવાબદાર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ રાજકોટના ચિરાગ મુકેશભાઇ બ્રહ્માણી (ઉ.વ.૪૧) છેલ્લા ત્રણ મહિનાથી ૮ વર્ષની પુત્રી સાથે ભાયલી નજીક લલિતા પાર્ટી પ્લોટ નજીક ધ ફ્લોરેન્સમાં રહેતા હતા. આઇ.ટી. કંપનીમાં નોકરી કરતા ચિરાગભાઇ નોકરીની સાથે કોમ્પ્યુટરનો બિઝનેસ કરતા હતા. ગતરોજ તેમણે એક વીડિયો ઉતારી પોતાના પિતાને મોકલ્યો હતો. જેમાં તેઓ પુત્રી સાથે આપઘાત કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ આપઘાત માટે જવાબદાર લોકોના નામ પોતાની ડાયરીમાં લખ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પિતા-પુત્રીએ જીવન ટૂંકાવી દીધું હતું. આ વીડિયો સવારે તેના પિતાએ જોતા પુત્ર ચિરાગને સતત કોલ કર્યા હતા. પરંતુ ચિરાગે કોલ રિસિવ કર્યા નહતા.
જેથી તેઓને ફાળ પડી હતી. તેમણે વડોદરામાં રહેતા ચિરાગના માસીના પુત્ર તેમજ અન્ય સગાને ચિરાગના ઘરે જઇને તપાસ કરવા કહ્યું હતું. ચિરાગનો માસીનો પુત્ર અને અન્ય સગા જ્યારે ફ્લેટ પર પહોંચ્યા ત્યારે ફ્લેટનો દરવાજો બંધ હતો. ચિરાગે વીડિયોમાં ફ્લેટની ચાવી બૂટમાં મૂકી હોવાનું જણાવ્યું હતું. જેથી, બૂટમાંથી ચાવી કાઢી તેઓએ દરવાજો ખોલતા ચિરાગ અને તેની પુત્રી બેડ પર હતા. તેમણે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હતી. એમ્બ્યુલન્સના એટડન્ટે આવીને ચેક કરતા પિતા-પુત્રીના મોત ત્રણ કલાક પહેલા જ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને સ્યૂસાઇડ નોટ લખેલી બ્લેક કલરની ડાયરી કબજે લઇ મૃતદેહોને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જેથી પોલીસે ચિરાગભાઇ સામે હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500