Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શહીદ થનાર અગ્નિવીરના પરિવારોને સામાન્ય સૈનિકોની જેમ પેન્શન અને અન્ય સુવિધાઓ મળી શકે છે

  • February 10, 2024 

ફરજ દરમિયાન શહીદ થનારા અગ્નિવીરના પરિવારોને સામાન્ય સૈનિકોની જેમ પેન્શન અને અન્ય સુવિધાઓ મળવી જોઈએ. સંસદીય સમિતિએ આ ભલામણ કરી છે. હાલની જોગવાઈઓ પ્રમાણે ફરજ દરમિયાન શહીદ થયેલા અગ્નિવીરના પરિવારને સામાન્ય સૈનિકો જેવી સુવિધાઓ નથી મળતી. સંરક્ષણ બાબતોની સંસદીય સમિતિએ પોતાના તાજેતરના રિપોર્ટમાં કહ્યું છે કે, પરિવારના સભ્યોના દુઃખને ધ્યાનમાં રાખીને સમિતિ ભલામણ કરે છે કે ફરજ દરમિયાન શહીદ થયેલા અગ્નિવીર શહીદોના પરિવારોને પણ સમાન લાભો અને સુવિધાઓ મળવી જોઈએ જે સામાન્ય સૈનિકોના પરિવારને મળે છે.


જૂન 2022માં સરકારે સેનાની ત્રણેય સેવાઓમાં અગ્નિપથ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ યુવાનોને ટૂંકા ગાળા માટે સેનામાં સામેલ કરવામાં આવે છે. અગ્નિવીર યોજનાનો ઉદ્દેશ આર્મીની ત્રણ શાખાઓની સરેરાશ ઉંમર ઘટાડવાનો છે. અગ્નિવીર યોજના હેઠળ 17 વર્ષથી 21 વર્ષની વયના યુવાનોને સેનાની ત્રણેય શાખાઓમાં સેવા કરવાની તક મળે છે. અગ્નવીર યોજના હેઠળ ભરતી થયેલા યુવાનોમાંથી 25 ટકાને સેનામાં કાયમી કમિશન આપવામાં આવે છે. સંસદીય સમિતિએ ફરજ દરમિયાન જીવ ગુમાવનારા સૈનિકોને મળતી એક્સ-ગ્રેશિયાની રકમ પ્રત્યેક કેટેગરીમાં 10 લાખ રૂપિયા વધારવાની પણ ભલામણ કરી છે.


સંરક્ષણ મંત્રાલયે સમિતિને જણાવ્યું કે, હાલમાં ફરજ દરમિયાન અકસ્માતમાં અથવા આતંકવાદી હિંસા અથવા અસામાજિક તત્વોના હુમલામાં જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારોને 25 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ મળે છે. બીજી તરફજે સૈનિકો સરહદ અથડામણમાં અથવા આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં અથવા ચાંચિયાઓ સાથેની અથડામણમાં જીવ ગુમાવે છે તેમને હાલમાં 35 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ મળે છે. જ્યારે યુદ્ધ દરમિયાન દુશ્મનના હુમલામાં શહીદ થનારા સૈનિકોને 45 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવે છે. સંસદીય સમિતિએ પોતાની ભલામણમાં કહ્યું છે કે, સરકારે એક્સ-ગ્રેશિયા રકમ દરેક વર્ગમાં 10-10 લાખ રૂપિયા વધારવા પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. આ સાથે જ તેની ન્યૂનતમ રકમ 35 લાખ રૂપિયા અને મહત્તમ રકમ 55 લાખ રૂપિયા હોવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application