સુરતનાં કાંસકીવાડ વિસ્તારમાં રહેતી મહિલા નર્સને પતિ અને પુત્ર સાથે યુ.કે.ના વર્ક વિઝા અપાવવાના બહાને મુંબઈ જોગેશ્વરીના દંપતીએ રૂ.18.40 લાખ પડાવ્યાની ફરિયાદ લાલગેટ પોલીસ મથકમાં નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, સુરતના કાંસકીવાડ હળદીયા શેરી રીયાન પેલેસ ઘર નં.501માં રહેતા 37 વર્ષીય ઇફ્ફત સુલેમાન કાપડીયા એપલ હોસ્પીટલ ખાતે નર્સ તરીકે નોકરી કરે છે. વર્ષ 2009થી 2012 દરમિયાન તે યુ.કે. બર્નિગહામ ખાતે સ્ટુડન્ટ વિઝા ઉપર ગયા હતા અને ત્યાં કેર વર્કર તરીકે પણ કામ કર્યું હતું,ત્યાંથી પરત ફરી તેમના લગ્ન થયા હતા અને પુત્રનો પણ જન્મ થયો હતો.
ઈફ્ફત અને તેમના પતિ પુત્ર સાથે યુ.કે. જવા માંગતા હોય તે વિઝા કન્સલ્ટન્ટ અંગે તપાસ કરતા હતા ત્યારે ડિસેમ્બર 2023માં સોશિયલ મીડિયામાં એ.બી.કન્સલ્ટન્ટના નામે ઈમીગ્રેશન એજ્યુકેશનલ સોલ્યુશનનું કામ કરતા મોહમદ આકીફ તારીક ગૌર (રહે.ઓફીસ.80,81, લેવલ 1, દિવાન સેન્ટર, પાર્સીયા દરબાર રેસ્ટોરન્ટ પાસે, એસ.વી.રોડ. જોગેશ્વરી (વેસ્ટ મુંબઇ)ની જાહેરાત જોઈ બાદમાં તેમની સાથે વ્હોટ્સએપ મારફતે સંપર્ક થયો હતો. મોહમદ આકીફ ગૌરે સલુન ચલાવતી પત્ની વાફીયા સાથે પણ ઈફ્ફતની વાત કરાવી તેમને વિશ્વાસ આપી સુરતની મેરીયોટ હોટલમાં રુબરુ મુલાકાત કરી હતી.મોહમદ આકીફ ગૌરે 3+2 વર્ષના વર્ક પરમીટ વિઝા, દર મહીને 2100-2200 પાઉન્ડ પગાર, અઠવાડીયે 38.5 કલાક કામ કરવાનું રહેશે.
તેમ જણાવી ઈફ્ફત, તેમના પતિ અને પુત્રના પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ ચેક કરી ફીનીક્સ કેર કંપનીનો સર્ટીફીકેટ ઓફ સ્પોન્સરશીપ લેટર આપી કન્સલટન્સી ચાર્જ રૂ.18.40 લાખ લીધા બાદ જૂન 2024 માં પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ બાયોમેટ્રીક માટે મુકાવ્યા હતા.જોકે, તેમાં કોઈ કામ થયું નહોતું અને જુલાઈ મહિનામાં પાસપોર્ટ કોરો પરત આવ્યો હતો. આ અંગે પૂછતાં મોહમદ આકીફ ગૌરે કામ થઈ જશે તેમ કહ્યું હતું.પણ કામ નહીં થતા ઈફ્ફતે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે ડોક્યુમેન્ટ બોગસ હોય 10 વર્ષ માટે પાસપોર્ટ પર બેન લાગ્યો છે. આથી તેમણે પૈસા પરત માંગતા મોહમદ આકીફ ગૌરે રૂ.12 લાખનો ચેક આપ્યો હતો.તે જમા કરતા રિટર્ન થયો હતો.ત્યાર બાદ પૈસા નહીં આપી ફોન રિસીવ કરવાનું બંધ કરતા આખરે ઈફ્ફતે ગતરોજ દંપતી વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500