ભારતમાં આઈઆઈટીને સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થાઓ માનવામાં આવે છે અને તેમાં ભણનારા સ્ટુડન્ટને તગડા પગાર મળતા હોય છે. પરંતુ તાજેતરમાં આ સંસ્થાઓની શાન ઝાંખી પડી હોય તેમ લાગે છે. એક રિપોર્ટ પ્રમાણે આઈઆઈટીમાંથી ગ્રેજ્યુએટ થયા પછી પણ લગભગ 40 ટકા વિદ્યાર્થીઓને જોબ નથી મળી શકતી. એટલું જ નહીં, આઈઆઈટી પાસ કર્યા પછી સ્ટાર્ટિંગ પેકેજ પણ અમુક કિસ્સામાં વાર્ષિક ત્રણ લાખ સુધી પહોંચી ગયા છે. ગ્લોબલ આઈઆઈટી એલ્યુમની સપોર્ટ ગ્રૂપના ધીરજસિંહે આઈઆઈટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિશે મહત્વનો ડેટા રિલિઝ કર્યો છે. તેમાં જણાવ્યા મુજબ વિવિધ આઈઆઈટીઓમાં પ્લેસમેન્ટનો પ્રથમ તબક્કો સમાપ્ત થઈ ગયો છે, પરંતુ ચિત્ર એકદમ નિરાશાજનક છે.
હજુ સુધી 35થી 40 ટકા વિદ્યાર્થીઓને નોકરી મળી શકી નથી. આ ઉપરાંત પેકેજ પણ એટલા બધા નીચા છે કે સ્ટુડન્ટ ઓફર સ્વીકારવાની ના પાડી દે છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સ્ટુડન્ટ કરોડો રૂૂપિયાનો પગાર લેવા માટે જાણીતા હોય છે, પરંતુ હવે સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. કેટલાક કિસ્સામાં તો પાંચ લાખનો પેકેજ પણ નથી મળતો. ડેટામાં એમ જણાવાયું છે કે, વિવિધ આઈઆઈટીમાં આ વર્ષે ચાલતા પ્લેસમેન્ટ હેઠળ વિદ્યાર્થીઓને વાર્ષિક માત્ર ત્રણથી ચાર લાખનું પેકેજ મળી રહ્યું છે. ભારતમાં એક તરફ અબજોપતિઓની સંખ્યા વધી રહી છે, તો બીજી તરફ પેકેજ ઘટતા જાય છે.
તેના કારણે આઈઆઈટીના વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. આ ઉપરાંત દેશના ટોચના યુવા પ્રતિભાઓ માટે પણ આ ખૂબ જ નિરાશાજનક સ્થિતિ છે. ભારતમાં બોમ્બે, કાનપુર, મદ્રાસ, દિલ્હી વગેરે આઈઆઈટી છે. આ ઉપરાંત પટણા, ઇન્દોર, ગાંધીનગર જેવા શહેરોમાં પણ પ્રતિષ્ઠિત સંસ્થાઓ શરૂૂ કરવામાં આવી છે. દેશની નંબર 1 ગણાતી આઈઆઈટી મદ્રાસમાં હાલમાં 900 વિદ્યાર્થીઓ જોબની રાહ જોઈ રહ્યા છે, જ્યારે બીજા નંબરની આઈઆઈટી દિલ્હીમાં પ્લેસમેન્ટ હેઠળ રજીસ્ટર્ડ થયેલા 2000 વિદ્યાર્થીઓમાંથી 900 વેઈટિંગમાં છે, ત્રીજા નંબરની આઈઆઈટી બોમ્બેમાં રજીસ્ટર્ડ થયેલા 2400માંથી 1300 વિદ્યાર્થીઓ હજુ પણ જોબ શોધી રહ્યા છે.
આ ડેટા મુજબ દેશમાં ચોથા ક્રમાંકની આઈઆઈટી કાનપુરમાં 500 વિદ્યાર્થીઓ બેરોજગાર છે અને પાંચમાં ક્રમાંકની આઈઆઈટી ખડગપુરમાં 1385 વિદ્યાર્થીઓ હાલમાં નોકરીની રાહ જોઈ રહ્યા છે. આઈઆઈટી ઈન્દોરના 49 ટકા વિદ્યાર્થીઓ, આઈઆઈટી પટણાના 41 ટકા અને આઈઆઈટી ભિલાઈના 63 ટકા વિદ્યાર્થીઓ હજુ પણ બેરોજગાર છે. તેમને જોઈએ તેવી જોબ નથી મળી અને પેકેજ પણ નથી મળતા.આઈઆઈટી બોમ્બેમાં હાલમાં કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં સૌથી વધુ માંગ છે. તેમાં દર વર્ષે આ બ્રાન્ચના વિદ્યાર્થીઓને 100 ટકા પ્લેસમેન્ટ મળે છે, જોકે આ વર્ષે 36 ટકા વિદ્યાર્થીઓને પણ પ્લેસમેન્ટ મળ્યું નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500