દેશની મુખ્ય નિકાસ બજારોમાં વર્તમાન વર્ષમાં જોરદાર મંદીનાં અંદાજને ધ્યાનમાં રાખતા આ વર્ષે ભારતની નિકાસ વૃદ્ધિ મંદ રહેવાનું સરકાર માની રહી છે. 2022માં વૈશ્વિક વેપાર વૃદ્ધિ ઘટી હતી અને 2023માં પણ તે નીચી રહેશે. વૈશ્વિક સ્તરે ઉત્પાદનમાં ઘટાડાને કારણે વોલ્યુમ તથા વેલ્યુ બંને દ્રષ્ટિએ વેપારમાં વધુ ઘટાડો જોવા મળશે એમ નાણાં મંત્રાલયના એક રિપોર્ટમાં જણાવાયું હતું. નાણાં નીતિમાં સખતાઈને કારણે વૈશ્વિક માગ મંદ પડી રહી હોવાનું હાઈ ફ્રીકવન્સી ઈન્ડીકેટર્સ જણાવી રહ્યા છે. અનેક વૈશ્વિક એજન્સીઓએ વૈશ્વિક વૃદ્ધિ મંદ પડવાની ધારણાં મૂકી છે.
નાણાં નીતિમાં સખતાઈ ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધથી વૈશ્વિક વિકાસ વધુ નબળો પડશે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 2023 તથા 2024માં ફુગાવાનું સ્તર નીચું આવશે તેમ જણાયછે, પરંતુ ભૌગોલિકરાજકીય તાણ અને તેને પરિણામે પૂરવઠા સાંકળમાં ખલેલમાં ઘટાડો જોવા નહીં મળે. નિકાસ વૃદ્ધિ મંદ પડવા છતા, 2023માં ભારત ઝડપથી વિકસતો દેશ બની રહેશે એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ તથા વર્લ્ડ બેન્ક દ્વારા ધારણાં મૂકવામાં આવી છે.
ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે વિકાસ દરનો 6.10 ટકા જ્યારે વર્લ્ડ બેન્કે 6.60 ટકાનો અંદાજ મૂકયો છે. અલ નિનોની આગાહી જો સ્પષ્ટ હોય તો, ભારતમાં ચોમાસામાં વરસાદની ખાધ જોવા મળી શકે છે અને કૃષિ ઉત્પાદન નીચું જોવા મળશે એટલું જ નહીં કૃષિ પેદાશોના ભાવ પણ ઊંચા જોવા મળશે. વર્તમાન નાણાં વર્ષમાં ભારતમાં ફુગાવાનું સરેરાશ સ્તર 6.50 ટકા જ્યારે નાણાં વર્ષ 2023-24માં આ આંક 5.30 ટકા રહેવા શકયતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500