ખેડાના નુર ફાર્મ રોડ ઉપરથી ટાઉન પોલીસે રૂપિયા ૩૩.૩૬ લાખના વિદેશી દારૂનાં મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડયો હતો. ગોવાથી દારૂ ભરીને આવ્યો હોવાનું ખૂલ્યું હતું. ત્યારે પોલીસે દારૂ સહિત રૂ.૫૧.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા શખ્સ સહિત ચાર વિરૂદ્ધ ગુનો દાખલ કરી વડોદરાના મુખ્ય સુત્રધારની શોધખોળ હાથ ધરી હતી. ખેડા ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખેડા બાગે મહેતાબ સોસાયટી, ફેજાને મદીના મસ્જિદ પાછળ નૂર ફાર્મ રોડ ઉપર આશિફ વહોરાએ આઇશર ગાડીમાં વિદેશી દારૂ ભરીને લાવી પોતાના ઘર આગળ મુકી હતી.
રાતે દારૂનું કટિંગ કરવાનો હતો. ત્યારે પોલીસે રેડ પાડતા પાર્ક કરેલી આઈશરમાંથી રૂ.૩૩.૩૬ લાખના દારૂની ૩૩,૬૦૦ બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આઇશર પાછળ ઉભેલા ચાલકની પૂછપરછ કરતા આશિફ ઉર્ફે સદ્દામ ઈદરીશ મોહમ્મદભાઈ વહોરા (રહે.ખેડા મૂળ રહેવાસી રઢુનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અંગ જડતીમાંથી રોકડ રૂ.૧,૧૮૦ તેમજ મોબાઇલ ફોન રૂ.૧૫,૦૦૦ કબજે કર્યા હતા. વિદેશી દારૂ રાહુલ વડોદરાવાળાનો હોવાનું તેમજ ગોવાથી રાહુલના માણસે વિદેશી દારૂ ભરી આપ્યો હતો.
જ્યારે ઠાસરા તાલુકાના વિસનગરનો અરવિંદ ઉર્ફે ટીનો અંબાલાલ ચાવડા દારૂ લેવા ડાકોર આવવાનો હોવાનું જણાવ્યું હતું. ખેડા ટાઉન પોલીસે દારૂ, આઈશર સહિત રૂ.૫૧,૫૨,૧૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે આશિફ ઉર્ફે સદ્દામ ઈદરીશ મોહમ્મદભાઈ વહોરા, રાહુલ વડોદરાવાળો, રાહુલનો માણસ ગોવાથી દારૂ ભરી આપનાર તેમજ અરવિંદ ઉર્ફે ટીનો અંબાલાલ ચાવડા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500