નોકરિયાત વર્ગને ઘરનું તાજું, સ્વાદિષ્ટ અને ગરમ ભોજનનો ડબો ઓફિસમાં પહોંચાડનાર ડબાવાળાઓ 6 દિવસ રજા પર જવાના છે. તારીખ 3થી 8મી એપ્રિલ દરમ્યાન ડબાવાળાઓ રજા પર હોવાથી નોકરિયાત વર્ગને ડબો મળશે નહીં. મુંબઈમાં ડબાવાળાઓનું મોટું નેટવર્ક છે અને તેમની વૈશ્વિક સ્તરે નોંધ લેવાયેલી છે. મુંબઈનાં ડબાવાળાઓને કારણે અનેક નોકરિયાતોને બપોરનાં સમયે પોતાની ઓફિસમાં ગરમ ભોજન મળી રહે છે. ગત કેટલાંય વર્ષોથી ડબાવાળાઓ મુંબઈગરાંને માટે પરસેવો પાડી કામ કરતાં રહ્યાં છે.જોકે આ ડબાવાળાઓમાંથી ઘણા લોકો રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાંથી ખાસ કરી પશ્ચિમ મહારાષ્ટ્રમાંથી આવેલાં છે.
મુળશી, માવળ, ખેડ, આંબેગાંવ, જુન્નર, અકોલા, સંગમનેર વિસ્તારમાંથી આવેલાં ડબાવાળાઓની સંખ્યા મોટી છે. અત્યારે તેમના ગ્રામ્ય વિસ્તારોમાં તેમના આરાધ્ય કુળદેવતાઓની પાલખીયાત્રા તેમજ અન્ય જાત્રાઓ ચાલું હોવાથી આ ડબાવાળાઓ ત્યાં જવાના છે. જોકે દર વર્ષે ડબાવાળાઓ આ જાત્રામાં પહોંચતાં હોય છે અને ત્યારે સામાન્યપણે 3થી 4 દિવસ ડબા પહોંચાડવાની સર્વિસ બંધ રહે છે. આથી આ સમય દરમ્યાન મુંબઈગરાંએ પોતાના ડબાની સુવિધા પહેલેથી કરી લેવી અન્યથા ઘરેથી લઈ જવા. તેમજ આ સમયગાળાનો ડબાવાળાઓનો પગાર કાપવો નહિ એવું પણ ડબાવાલાના સંગઠન વતી કહેવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500