હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં નાસભાગના મામલે એક્ટર અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન જવા નીકળી ગયો છે. જ્યાં પોલીસ આજે તેની પૂછપરછ કરશે. એક્ટર પોતાની લીગલ ટીમ સાથે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન જવા રવાના થઈ ગયો છે. જોકે, અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં જ તેના ઘર અને પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન જવા નીકળે તે પહેલાં જ એક્ટરના ઘરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન પોલીસના હાથમાં લાકડીઓ જોવા મળી હતી. જણાવી દઈએ કે, હૈદરાબાદમાં 4 ડિસેમ્બરે, સંધ્યા થિયેટરમાં નાસભાગ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું અને સાથે જ તેનો આઠ વર્ષનો બાળક પણ ઈજાગ્રસ્ત થયો હતો.
અલ્લુ અર્જુન પૂછપરછ માટે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન જવા રવાના થઈ ગયો છે. એસીપી રમેશ કુમાર અને સેન્ટ્રલ ઝોનના ડીસીપી નાસભાગ મામલે અલ્લુ અર્જુન સાથે પૂછપરછ કરશે. જણાવી દઈએ કે આ પહેલા અભિનેતા અર્જુને એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લોકોને કોઈપણ રીતે ગેરવર્તન ન કરવા વિનંતી કરવામાં આવી હતી. વધતાં વિવાદ વચ્ચે, અલ્લુ અર્જુને દરેકને અપીલ કરી હતી કે તેઓ ઓનલાઇન અને ઓફલાઇન કોઈપણ પ્રકારના અભદ્ર વર્તન અથવા ભાષાનો ઉપયોગ ટાળે. એક્ટરે પોતાના ચાહકોને પણ આદર અને સકારાત્મકતા જાળવવા વિનંતી કરી હતી. અલ્લુ અર્જુને પોતાના ફેન હોવાની આડમાં કાયદો હાથમાં ન લેવાની વાત કરી અને કડક ચેતવણી પણ આપી હતી.
આ મહિને સાઉથ ઇન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના ચોથી ડિસેમ્બરે યોજાયેલા સ્ક્રીનિંગમાં હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતાં અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ ઘટનામાં દિલસુખનગરમાં રહેતી 35 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રીતેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા ગઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી જતાં રેવતી અને તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે તુરંત જ માતા અને પુત્રને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટરે રેવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500