વર્ષ 2022નાં ડિસેમ્બરની સરખામણીએ 2023ના ડિસેમ્બરમાં દેશમાં રિટેલ ઓટો વેચાણમાં 21 ટકા જેટલો નોંધપાત્ર વધારો થયો હતો. ગયા મહિને કુલ 1990915 વાહનોનું રિટેલ વેચાણ થયું હતું જે 2022ના ડિસેમ્બરમાં 1643514 રહ્યું હતું એમ ફેડરેશન ઓફ ઓટો મોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (ફાડા)નાં આંકડા જણાવે છે. 2023નાં સંપૂર્ણ વર્ષની વાત કરીએ તો, રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 11 ટકા વધારો જોવા મળ્યો છે. 2022માં 21,492324 વાહનોની સામે ગયા વર્ષમાં વાહનોનો રિટેલ વેચાણ આંક 23,867,990 રહ્યો હતો. 2023ના ડિસેમ્બરમાં ઓટો રિટેલ વેચાણ આંક નવેમ્બરની સરખામણીએ 30.25 ટકા નીચુ રહ્યું હતું.
નવેમ્બરનો વેચાણ આંક 2854242 રહ્યો હતો. તહેવારોની મોસમને કારણે નવેમ્બરમાં રિટેલ વેચાણ ઊંચુ રહ્યાનું ફાડાના સુત્રોએ જણાવ્યું હતું. ડિસેમ્બરની 15થી દેશના અનેક ભાગોમાં મકર સંક્રાતિને કારણે કમુરતા લાગી જતા ડિસેમ્બરના આંક નીચા જોવા મળ્યા છે. ગ્રાહકોનાં સેન્ટિમેન્ટમાં થયેલા વધારાને જોતા 2024નું વર્ષ ઓટો રિટેલ વેચાણ માટે પોઝિટિવ જણાઈ રહ્યું હોવાનું પણ ફાડાના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું. માર્ચ 2020માં લોકડાઉન પહેલા દેશના ઉપભોગતાઓમાં સેન્ટિમેન્ટની જે સપાટી જોવા મળી હતી તે સપાટી ફરી પાછી ડિસેમ્બરમાં જોવા મળી છે.
ઓટો રિટેલ વેચાણ માટે નજીકના ગાળાનું આઉટલુક પોઝિટિવ જણાઈ રહ્યું છે પરંતુ ઈન્વેન્ટરીનું ઊંચુ સ્તર ચિંતાજનક કહી શકાય એમ છે. ડિસેમ્બરમાં ડુ વ્હીલર્સ તથા ઊતારૂ વાહનોનો સ્ટોકસ ઊંચો જોવા મળ્યો હતો. ઊતારૂ વાહનોનું ઈન્વેન્ટરીનું સ્તર 55-58 દિવસ જેટલું છે જ્યારે ટુ વ્હીલર્સનું સ્તર 15-20 દિવસ જેટલું રહ્યું હતું. ટુ વ્હીલર્સમાં વેચાણ સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે કારણ કે મોટી સંખ્યામાં લગ્નો તથા ખેડૂતોના હાથમાં લણણીના આવેલા નાણાં ટુ વ્હીલર્સના રિટેલરો માટે સાનુકૂળ બન્યા છે. ઔદ્યોગિક પ્રવૃત્તિ તથા માળખાકીય વિકાસ કમર્સિઅલ વાહનો માટે પોઝિટિવ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500