ઊંઝા ખાતે માં ઉમિયાના ધજા મહોત્સવનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજે સવારે મુખ્યમંત્રીના હસ્તે આ મહોત્સવનો શુભારંભ થયો હતો. જેમાં ઉમા બાગથી 1868 બહેનોએ વિશાળ ઝવેરા યાત્રા કાઢી માતાજીના મંદિરે પહોંચી હતી. ઊંઝા ખાતે ઉમિયા માતાજીના દિવ્ય અલૌકિક મંદિર ઉપર ભાદરવા સુદ નોમથી ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે બુધવારે સવારે મુખ્યમંત્રી ધજા મહોત્સવનો શુભારંભ કરાવ્યો છે. ઉમિયા બાગ ખાતે ઉછમણીના દાતાઓનો સન્માન સમારંભ યોજાયા બાદ ઉમા બાગથી 1868 બહેનોની વિશાળ ઝવેરા યાત્રા નિકળી અને માતાજીના મંદિરે પહોંચી છે.
માં કુળદેવી ઉમિયા માતાજીના મંદિર પર વિજય ઘ્વજ, મુખ્ય શિખ ધજા, શિખરના ચાર દિશાની ચાર ધજા તથા રંગમંડપની ચાર ધજાઓ ચડાવીને ધજા મહોત્સવનો શુભારંભ કરવામા આવ્યો છે. મહોત્સવ દરમિયાન સાત દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ માં કુળદેવી અખંડ સ્વરુપા ઉમિયા માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતા અનુભવશે. મંદિરની સ્થાપના વર્ષ 1868માં થઈ હોવાથી 1868 ધજા ઉપરાંત 11,111 ધજા ચડાવવામાં આવશે. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા શ્રદ્ધાળુઓને નાસ્તો, પાણી, ચા ઉપરાંત ભાજન પ્રસાદની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી છે.
સંસ્થાના માનદ્ મંત્રી, ટ્રસ્ટી મંડળ અને વિવિધ કમિટિ દ્વારા ધજા મહોત્સવના આયોજનની વ્યુહરચના તૈયાર કરવામાં આવી રહી છે. ઉમિયા માતા મંદિરના પ્રાંગણમાં ઢોલ નગારા અને ભુંગળના નાદ સાથે સ્વાગત કરાયા હતાં. ધજા મહોત્સવમાં ભાગ લેવા માટે 250 કરતાં વધારે સંઘો અને મંડળો જોડાશે. અંદાજે 20 લાખ શ્રદ્ધાળુઓ મા ઉમિયા માતાજીના દર્શન કરવા પધારશે. પગપાળા પધારનાર ભક્તોની સેવા માટે ઊંઝાની ચારેબાજુ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. સંસ્થાની વિવિધ 40 કમિટી કાર્યક્રનનું સંચાલન કરે છે. ભાદરવી નોમના રોજ સવારે ધજા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. સાત દિવસ સુધી ધજા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. સાત દિવસ વહેલી સવારે મંદિરમાં મંગળા આરતી બાદ ધજાઓ શિખર પર ક્રમબદ્ધ અને શિસ્તબદ્ધ રીતે ચડાવવામાં આવશે. સાંજે મંદિરમાં આરતી બાદ ધજા ચડાવવાના કાર્યક્રમને વિરામ અપાશે. ધજા લઈને આવનાર શ્રદ્ધાળુઓનું ભવ્ય સ્વાગત કરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500