મણિપુરમાં હિંસાને લઈને કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે હિંસા પ્રભાવિત જિરીબામ સહિત મણિપુરના છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સશસ્ત્ર દળ અધિનિયમને ફરીથી લાગૂ કરી દીધી છે, જે હેઠળ સુરક્ષા દળોના સંચાલનની સુવિધા માટે એક વિસ્તારને 'અશાંત' જાહેર કરી દીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશનમાં આદેશ આપ્યા છે કે, ત્યાં ચાલી રહેલી જાતિય હિંસાના કારણે સતત અસ્થિર સ્થિતિને જોતા આ નિર્ણય લીધો છે. જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં AFSPAને ફરીથી લાગૂ કરી દેવાયો છે, તે છે ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સેકમાઈ અને લમસાંગ, ઈમ્ફાલ પૂર્વ જિલ્લામાં લમલાઈ, જિરીબામ જિલ્લામાં જિરીબામ, કાંગપોકપીમાં લેમાખોંગ અને વિષ્ણપુરમાં મોઈરાંગ. નવો આદેશ મણિપુર સરકારના નિર્ણય બાદ આવ્યો છે.
જેમાં આ છ પણ સામેલ છે. જણાવી દઈએ કે, મણિપુર સરકારે 1 ઓક્ટોબરે 19 પોલીસ સ્ટેશન વિસ્તારોને બાદ કરતા આખા રાજ્યમાં AFSPA લાગૂ કરી દીધો હતો. મણિપુરના જિરીબામ જિલ્લામાં છ વર્દીધારી અને અત્યાધુનિક હથિયારોથી સજ્જ ઉગ્રવાદીઓએ એક પોલીસ સ્ટેશન અને નજીકના CRPF કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ સોમવારે સેના સાથે અથડામણમાં 11 શંકાસ્પદ આતંકવાદી ઠાર મરાયા. એક દિવસ બાદ એ જિલ્લાથી સશસ્ત્ર આતંકવાદીઓએ મહિલાઓ અને બાળકો સહિત છ નાગરિકોના અપહરણ કરી લીધા. ગત વર્ષ મે મહિનાથી ઈમ્ફાલ ઘાટીમાં આવેલ મેઇતેઈસ અને નજીકની પહાડીમાં સ્થિત કુકી જે જૂથો વચ્ચે જાતિય હિંસામાં 200થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘરવિહોણા થયા છે.
જાતિગત રીતે વિવિધ જિરીબામ, જો ઈમ્ફાલ ખીણ અને આસપાસની પહાડીઓમાં અથડામણ નહોતી જોવા મળતી, પરંતુ આ વર્ષે જૂનમાં એક ખેતરમાં એક ખેડૂતનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યા બાદ હિંસા ફાટી નીકળી. AFSPA સુરક્ષા દળોને અમર્યાદિત સત્તા આપે છે. સુરક્ષા દળો કોઈની પણ વોરંટ વગર ધરપકડ કરી શકે છે, બળનો ઉપયોગ કરી શકે છે અથવા તો કોઈને ગોળી મારી શકે છે. જો કે બળનો ઉપયોગ કરતા પહેલા અને ગોળીબાર કરતા પહેલા ચેતવણી આપવી જરૂરી છે. જો સુરક્ષા દળો ઈચ્છે તો તેઓ કોઈપણને રોકીને તલાશી લઈ શકે છે. આ કાયદા હેઠળ સુરક્ષા દળોને કોઈના પણ ઘર કે પરિસરમાં તલાશી લેવાનો અધિકાર મળે છે. જો સુરક્ષા દળોને લાગે છે કે, આતંકવાદીઓ અથવા તોફાનીઓ કોઈ મકાન કે ઈમારતમાં છુપાયેલા છે તો તેઓ તેને પણ તોડી શકે છે. આ કાયદામાં સૌથી મોટી વાત એ છે કે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર મંજૂરી ન આપે ત્યાં સુધી સુરક્ષા દળો સામે કોઈ કેસ કે કાયદાકીય કાર્યવાહી થઈ શકે નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500