આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત રાજ્યવ્યાપી શરૂ કરાયેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાન હેઠળ ભરૂચ જિલ્લાના કુલ ૫૪૫ ગ્રામપંચાયતોમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંદાજિત ૫૦ હજારથી વધારે ગ્રામજનો સહભાગી થયા હતા અને અંદાજિત ૧૨ હજારથી વધુ સેલ્ફી પાડવામાં આવી હતી. રાજ્યભરમાં ૯ ઓગષ્ટથી પ્રારંભાયેલા ‘મારી માટી મારો દેશ કાર્યક્રમ’ની ઉજવણી મુખ્ય ૫ (પાંચ) થીમ પર કરાય છે. જેમાં શિલાફલકમનું સમર્પણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન હેઠળ વૃક્ષારોપણ, શહીદ સ્મૃતિ વંદના અને વીર સ્મારકને વંદનનો સમાવેશ થાય છે.
ભરૂચ જિલ્લામાં પ્રથમ તબક્કામાં કલસ્ટર પ્રમાણે વર્ગ-૧ ના અધિકારીઓ અને તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, ગામના સરપંચ અને વડીલો તેમજ નિવૃત્ત સૈનિકો અને શહિદોના પરિવારજનોની ઉપસ્થિતમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ દેશભક્તિના રંગે યોજાયો હતો. ૧૪૫ ગામ મળી 3૦ હજારથી વધુ રોપાનું વાવેતર કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા દેશભરમાં યોજાઈ રહ્યો છે.
આ કાર્યક્રમ હેઠળ ગ્રામ કક્ષાએ એકત્રિત થયેલી માટી તાલુકા કક્ષાએ કળશમાં પહોંચાડવામાં આવશે. આ કળશ કર્તવ્ય પથ નવી દિલ્હી સુઘી જશે અને આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃત વાટીકા બનાવીને માતૃભૂમિના નિર્માણ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોને શ્રધ્ધાંજલી અર્પણ કરવાના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં સહભાગી બનશે. કર્તવ્ય પથ દિલ્હી ખાતે તા. ૨૯થી ૩૦ ઓગસ્ટ દરમિયાન મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું સમાપન કરાશે. તમામ નાગરિકો પોતાની સેલ્ફી લઈ વેબસાઈટ https://merimaatimeradesh.gov.in/ ઉપર અપલોડ કરી વીરો શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં પોતાની ભાગીદારી નોંધાવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500