બારડોલી પોલીસને ફરિયાદ આપનાર દીપાલીબેનનાં જણાવ્યા મુજબ, તેનો નાનો ભાઈ શિવા ખંડુ સાળવે બારડોલી નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. તેના પિતા ખંડુભાઈ, સુનિલભાઈ, દીપાલીનો પુત્ર દિવ્યેશ અને કાકાનો પુત્ર વિકી અને પુત્રી નેહા સાથે રહી ચાની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. સુનિલ અને વિકી ભંગારની મજૂરી કરે છે.
જોકે શુક્રવારે રાત્રે નવ વાગ્યાના સુમારે દીપાલી ઘરમાં રસોઈ બનાવતી હતી તે સમયે તેનો ભાઈ શિવા ત્યાં આવ્યો હતો અને વિકી રમેશ ગામીતને જોઈ દીપાલીને "તું બધાને પાળે છે" એમ કહેતા વિકી ગુસ્સે થઈ ગયો હતો અને "તું કોને બોલે છે?" એમ કહી શિવા સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. ઘરના સભ્યોએ બંનેને છોડાવ્યા બાદ વિકી ઘરમાંથી ચપ્પુ લઈ આવ્યો હતો અને શિવાના પેટ તથા છાતીના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી દીધા હતા. શિવાને લોહી લુહાણ હાલતમાં પહેલા બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિકી હુમલો કરી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટના અંગે બારડોલી પોલીસે વિકી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી નાસી છૂટેલા વિકીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, હુમલો કરનાર વિકી સ્થળ પરથી તરત જ નાસી છૂટ્યો હતો. જોકે હાલ તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500