Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાવનગર લોકસભા બેઠક પર ભાજપનાં મહિલા ઉમેદવાર નિમુબેન બાંભણીયાનો ભવ્ય વિજય થયો

  • June 05, 2024 

ભાવનગર લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી ગત તારીખ 7 મે’ના રોજ યોજાય હતી. જયારે મંગળવારે શહેરના વિદ્યાનગર ખાતે આવેલ સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરી કામગીરીના પગલે કર્મચારીઓને સવારે 5 કલાકે બોલાવવામાં આવ્યા હતા અને સવારે 7.30 કલાકે EVM સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યારબાદ સવારે 8 કલાકે મતગણતરીનો પ્રારંભ થયો હતો. લોકસભાની ચૂંટણીની મતગણતરી સાત વિધાનસભા બેઠક મુજબ કરવામાં આવી હતી, જેમાં ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલિતાણા, બોટાદ અને ગઢડા વગેરે બેઠકનો સમાવેશ થાય છે. લોકસભા બેઠક પર 13 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હતા પરંતુ સીધો જંગ ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા અને ઈન્ડીયા ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા વચ્ચે હતો.


શહેરના વિદ્યાનગર સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે સવારે 8 કલાકે EVMમાં કેદ 13 ઉમેદવારોનું ભાવિ મત ગણતરીના સ્વરૂપે ખુલતાં જ રાજકીય પક્ષો-અપક્ષ ઉમેદવારોમાં ઉત્તેજના વધી, શાંતિપૂર્ણ વાતાવરણમાં સરેરાશ 23 રાઉન્ડનાં અંતે મતગણતરી પૂર્ણ થતાં તંત્રએ રાહત અનુભવી લોકસભાની મતગણતરી માટે વિધાનસભા મુજબ જુદા જુદા રૂમ તૈયાર કરી 14 ટેબલ પર રાઉન્ડ મુજબ મતગણતરી કરવામાં આવી હતી. ચૂંટણી મતગણતરીના 18થી 23 રાઉન્ડ હતાં. લોકસભાની બેઠક પર 53.92 ટકા મતદાન નોંધાયુ હતુ અને કુલ 10,49,078 મતદારોએ મતદાન કર્યુ હતુ, જેમાં પોસ્ટલ બેલેટના 17,545 મત ગણવામાં આવ્યા હતાં.


EVMનાં મતની ગણતરી કરવામાં આવી હતી અને આશરે 45 વીવીપેટની ગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપના મહિલા ઉમેદવારને આપ પાર્ટીના ઉમેદવાર કરતા વધુ મત મળ્યા હતા અને ત્યારબાદ તમામ રાઉન્ડમાં ભાજપના ઉમેદવારને આપના ઉમેદવાર કરતા વધુ મત મળ્યા હતા તેથી એક તરફી મુકાલબો જોવા મળ્યો હતો. મતગણતરીના અંતે ભાજપના મહિલા ઉમેદવારને કુલ 7,16,883 મત મળ્યા હતા, જયારે આપ પાર્ટીના ઉમેદવારને 2,61,594 મત મળ્યા હતા તેથી ભાજપના ઉમેદવારનો 4,55,289ની લીડથી ઐતિહાસીક વિજય થયો હતો.


ભાવનગર લોકસભા બેઠક પર પ્રથમવાર કોઈ ઉમેદવારને આટલી મોટી લીડ મળી હોવાનુ જાણવા મળેલ છે. આ ચૂંટણીમાં અન્ય ઉમેદવારની સરખામણીએ નોટાને સૌથી વધુ 18,765 મત મળ્યા હતાં. લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવારોનો ભવ્ય વિજય થતા અગ્રણી, કાર્યકર, સમર્થક ઉત્સાહમાં આવી ગયા હતા અને ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી હતી, જોકે રાજકોટના અગ્નિકાંડની ઘટનાના પગલે ભાજપે વિજય સરઘસ કાઢયુ ન હતું. આપના ઉમેદવારોનો મોટી લીડથી પરાજય થતા ઈન્ડીયા ગઠબંધનના કાર્યકરો-સમર્થકોમાં સોંપો પડી ગયો હતો. આ ચૂંટણીમાં ભાજપની બેઠક યથાવત રહી છે. પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application