ઉત્તરાખંડનાં ચમોલીમાં હિમપ્રપાતની દુર્ઘટનામાં રવિવારે વધુ ચાર શ્રમિકોના મૃતદેહ મળ્યા હતા, જેને પગલે કુલ મૃત્યુઆંક આઠ થયો છે. આ સાથે સૈન્ય અને આઈટીબીપીના જવાનોએ ૬૦ કલાકથી ચાલતું બચાવ અભિયાન પૂરું કરવાની જાહેરાત કરી હતી. ચમોલીમાં લોકો આ દુર્ઘટનામાંથી હજુ બેઠા પણ થયા નથી ત્યાં હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં વધુ એક હિમપ્રપાતના જોખમની ચેતવણી આપી છે. ઉત્તરાખંડના ચમોલીમાં હવામાન વિભાગે સોમવાર માટે હિમસ્ખલન અને વરસાદની એલર્ટ જારી કરી છે, જેને પગલે જિલ્લા તંત્રે વિશ્વ પ્રખ્યાત પ્રવાસન સ્થળ ઓલીથી પ્રવાસીઓને સુરક્ષાની દૃષ્ટિએ જોશીમઠ અને આજુબાજુના સુરક્ષિત સ્થળો પર રોક્યા છે.
ઓલીમાં જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વધુમાં જિલ્લા અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. ચમોલીમાં હવામાન વિભાગની આ ચેતવણી એવા સમયે અપાઈ છે જ્યારે આર્મી અને આઈટીબીપીના જવાનોએ શુક્રવારે સવારે આવેલા હિમપ્રપાતમાં બરફ નીચે દટાયેલા મજૂરોને બચાવવા માટેનું અભિયાન ૬૦ કલાક પછી પૂરું કરવાની જાહેરાત કરી છે. ચીન સરહદ નજીક માણા પાસે શુક્રવારે હિમસ્ખલનની ઝપેટમાં આવેલા બધા જ લોકોને શોધી લેવાયા હતા, જેમાંથ ૪૬ને સુરક્ષિત બહાર કઢાયા હતા જ્યારે કુલ ૮નાં મોત નિપજ્યાં છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ)ના કેમ્પમાં બચાવ અભિયાન ચલાવનારા આર્મી અને આઈટીબીપીના જવાનોએ પહેલા દિવસે ૩૩ મજૂરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
બીજા દિવસે શનિવારે બચાવ અભિયાનમાં જોડાયેલી એનડીઆરએફ સહિતની ટીમોએ કુલ ૪૬ મજૂરોના જીવ બચાવ્યા હતા જ્યારે ચાર મજૂરોના મૃતદેહ બહાર કઢાયા હતા. ત્યાર પછી રવિવારે અન્ય લાપતા મજૂરોની શોધખોળ માટે રવિવારે ફરી બચાવ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં વધુ ચાર મજૂરોના મૃતદેહ મળી આવ્યા હતા. આ સાથે આ દુર્ઘટનામાં મૃતકોની કુલ સંખ્યા ૮ થઈ ગઈ હતી. જોકે આ સાથે બીઆરઓના કેમ્પમાં રહેતા બધા જ ૫૪ મજૂરોની ભાળ મળી ગઈ હોવાથી બચાવ અભિયાન પૂરું કરાયું હતું. આ અભિયાનમાં બચાવાયેલા બધા જ ૪૬ મજૂરોને ઋષિકેશમાં આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બચાવ અભિયાનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, આઈટીબીપી, બીઆરઓ, એનડીઆરએફ, એસડીઆરએફ, એર ફોર્સમાંથી ૨૦૦થી વધુ લોકો જોડાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500