Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા બરડીપાડા ગામમાં શૈક્ષણિક સિધ્ધીઓ હાંસલ કરતી પ્રાથમિક શાળા

  • July 22, 2023 

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાન તરીકે શ્રી નરેદ્રભાઇ મોદીના નિર્ણાયક નેતૃત્વના કારણે ડાંગ જિલ્લાના પુર્વપટ્ટીના આદિવાસી ગામોમા પણ વિકાસની નવતર પરિભાષા અંકિત થઇ છે. 20 વર્ષ પહેલા શરૂ થયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશિક્ષિત ગુજરાત માટેનો સંકલ્પ તેમજ ગામે ગામ જન-જનમા શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાની નેમ વય્ક્ત કરી હતી. ગામે ગામ અને જનજનમા આવતી કાલનું ગુજરાત સંપૂર્ણ શિક્ષિત બને તેવુ વાતવરણ સર્જવા રાજ્ય સરકારના પ્રયાસોમા સમાજને જોડીને ગુજરાતમાંથી નિરક્ષરતાની શરમને તિલાંજલી આપવાની પહેલ કરી હતી. જે હાલની શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર ખરા અર્થમા સાર્થક કરી રહી છે.



આ વર્ષે યોજાયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમા રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ બોર્ડર વિલેજને વિશેષ કેન્દ્રમા રાખીને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો કરવામા આવ્યા હતા. શ્રી ભુપેન્દ્રભાઇના નેતૃત્વ વાળી સરકારમા અંતરીયાળ વિસ્તારમા શિક્ષણનો ઉજાસ નજરે દેખાઇ રહ્યો છે. ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલ ડાંગ જિલ્લાના સુબિર તાલુકાનુ બરડીપાડા ગામ જ્યા ખેતી અને છુટક મજુરી કામ અર્થે સ્થળાંતરીત થતા લોકોના કારણે બાળકોના શિક્ષણ ઉપર પ્રશ્ન ઉભા થતા હતા. પરંતુ આજે ગુજરાતની દિશા અને દશા બદલાઇ છે. અંતરિયાળ વિસ્તારમા શિક્ષણનો ઉજાસ થવા પામ્યો છે.



આશરે 440ની વસ્તી ધરાવનાર ડાંગ જિલ્લાની બરડીપાડા પ્રાથમિક શાળામા 100 ટકા બાળકોનુ નામાંકન થાય છે. ધોરણ 1 થી 5 સુધીની આ શાળા શૈક્ષણિક ભૌતીક સુવિધાઓથી સજ્જ હોવાથી આજે વાલીઓ માટેની પહેલી પસંદગીની શાળા બની છે. શાળાના શિક્ષકો દ્વારા પિરસવામા આવતા ગુણવત્તા યુક્ત શિક્ષણના કારણે ગામના વાલીઓ, બાળકોને શાળામા નામાકંન કરાવતા થયા છે. હાલે શાળામા 31 બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નરેદ્રભાઇ ઠાકરે જણાવે છે કે, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કારણે ડાંગ જિલ્લાની શાળાઓમા 100 ટકા નામાકંન થાય છે. પરંતુ સુબિર તાલુકાના અંતરીયાળ વિસ્તારમા ક્યાંક સ્થાયીકરણનો પ્રશ્ન હોવાથી સરકારની ગણવેશ યોજના, શિષ્યવૃતિ સહાય યોજના, સીઝનલ હોસ્ટેલની યોજનાથી આ સમસ્યાઓ કામયી દુર થઇ છે.



છેલ્લા 20 વર્ષ દરમ્યાન શિક્ષણ ક્ષેત્રે ઘણી પ્રગતી થઇ છે. શ્રી ઠાકરે દ્વારા અવાર નવાર શાળાઓની મુલાકાત કરવામા આવે છે. બરડીપાડા પ્રાથમિક શાળાના એસ.એમ.સી. કમીટીનાં સભ્ય તેમજ વાલી ધર્મિષ્ઠાબેન ભોયે જણાવે છે કે, શાળામા પાણી ઓરડા અને રમત-ગમતના ગ્રાઉન્ડ જેવી ભૌતીક સુવિધાઓ ઉપલબ્ધ હોવાના કારણે તેઓના બાળકો સારી રીતના શિક્ષણ અને જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. તેમજ સરકાની વિવિધ યોજનાકીય લાભથી ગામના વાલીઓ પણ પોતાના બાળકોને શાળામા નામાંકન કરાવતા થયા છે. તેઓ વાલી તરીકે અવારનવાર શાળાની મુલાકાત લેતા હોય છે. શાળાનુ શૈક્ષણિક સ્તર સુધર્યું હોવાના કારણે તેઓની બાળકી સારા પરીણામ સાથે પાસ થઇ છે જેનો તેઓને આંનદ છે.



વર્ષ 2009-10નાં ગુણોત્સવમા E ગ્રેડ મેળવનાર આ શાળા હવે બાહ્ય કે સ્વ મુલ્યાકંનમા સતત A ગ્રેડ પ્રાપ્ત કરી રહી છે. ગુણોત્સવ 2.0મા છેલ્લા બે વર્ષ થી આ શાળા A+ ત્રણ સ્ટાર મેળવી રહી છે. શાળાના આચાર્યા જ્યોતીબેન રમેશભાઇ ચૌહાણ જણાવે છે કે, બરડીપાડા ગામની એસ.એમ.સી. કમીટી, ગ્રામજનો, બી.આર.સી, સી.આર.સી તેમજ શાળાના શિક્ષકોના સતત પ્રયત્નોના કારણે શાળા શૈક્ષણિક, સામાજીક, ભોતિક રીતના આગળ વધી રહી છે. એકલવ્ય અને નવોદય જેવી શાળાઓમા ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમા અહિંના બાળકો અવલ્લ નંબરે આવ્યા છે. છેલ્લા કેટલાંક વર્ષો દરમ્યાન નવોદય શાળામા 6 જ્યારે એકલવ્ય શાળામા 21 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. ઉંપરાત તેઓના બાળકો પણ આજ શાળામા અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ 2022-23મા ધોરણ 1 અને 2 મા પ્રજ્ઞા એફ.એલ.એન કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી તેમજ ગુણોત્સવ 2.0માં એ ગ્રેડ મેળવવા બદલ આ શાળાને તાલુકા અને જિલ્લા દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામા આવી છે.



ઉપરાત શાળાના ઉપ શિક્ષક સંજયભાઇ ભોઇને ખાંબલા સી.આર.સી કેન્દ્રના પ્રથમ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા છે. શિક્ષણ થકી વિકાસ એટલે કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. આજે શિક્ષણમા સરકારની વિવિધ યોજનાઓથી બરડીપાડા ગામના વાલીઓ શિક્ષણને પ્રથમ અગ્રીમતા આપી રહ્યા છે. ખાનગી શાળામા ભૌતિક સુવિધાઓ અને શિક્ષણની હોડના કારણે મોટા ભાગના વાલીઓની માનસિકતા હોય છે કે તેઓ પોતાના બાળકોને ખાનગી શાળામા અભ્યાસ અર્થે મુકે, પરંતુ બરડીપાડા પ્રાથમિક શાળાનુ ઉચ્ચ શિક્ષણ અને સરકારી યોજનાઓના કારણે અહિ તમામ વાલીઓ ખાનગી શાળા કરતા સરકારી શાળાને પહેલી પસંદગી આપી રહ્યા છે. અહિ એકપણ બાળક ખાનગી શાળામા અભ્યાસ કરતુ નથી.



જુથ સંસાધન કેન્દ્ર ખાંભલાના સી.આર.સી કો-ઓર્ડીનેટર જયરાજસિંહ પરમાર જણાવે છે કે, સરકારની સીઝનલ હોસ્ટેલ અને ટ્રાન્સપોર્ટની સુવિધાઓને કારણે અહિ 0 ટકા ડ્રોપઆઉટ રેસિયો નોંધાયો છે. તેમજ બાળકોની હાજરીમા પણ ફેરફાર નોંધાયો છે. ધોરણ 5 બાદ અન્ય બાજુના ગામમા ઉચ્ચ શિક્ષણ માટે બાળકો પ્રવેશ મેળવે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. બરડીપાડા પ્રાથમિક શાળામા ટેરેસ ગાર્ડન, ઇકો કલબ ઉપલ્બધ છે. તેમજ શિક્ષણની સાથે રમત-ગમતની તમામ પ્રવૃતિઓ કરાવવામા આવે છે. જે બાળકોના સામાજીક જીવનમા ઉપયોગી થાય, સાથે સારો માનવ બને તે માટે શાળાની સભર પ્રવૃતિઓ થકી તેઓ સતત પ્રયત્નશીલ બની કાર્ય કરતા રહે છે તેમ શ્રી પરમારે વધુમા જણાવ્યુ હતુ.



રાજ્યમા છેવાડાના જિલ્લાઓ સુધી સાક્ષરતા દર વધે તેમજ બાળકોના શિક્ષણ અને તેમના ઉજ્જવળ ભવિષ્યને કેન્દ્ર સ્થાને રાખીને તેમના માતા-પિતાની સહભાગીદારીથી બાળકોના શિક્ષણની અગત્યતા પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉમદા ઉદ્દેશ સાથે વર્ષ 2002-03માં ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ રાજ્યના દરેક બાળક માટે પ્રાથમિક શિક્ષણની સુલભતા સુનિશ્ચિત કરવાનો છે. તે બાળકોનો સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં પણ ઘણો અસરકારક છે. છેલ્લા 20 વર્ષ દરમિયાન ડાંગ જિલ્લામા પ્રાથમિક શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો 14.05 ટકાથી ઘટીને 1.72 ટકા થયો છે. જ્યારે રાજ્યમા પ્રાથમિક શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો 20.5 ટકાથી ઘટીને 1.23 ટકા થયો છે. શિક્ષણ પ્રત્યે રાજ્ય સરકારની નિષ્ઠાના કારણે આજે ડાંગ જેવા અંતરીયાળ જિલ્લાઓમા શાળાના ડ્રોપ આઉટ રેશિયોમા નોધપાત્ર ધટાડો કરી શકાયો છે. સાથે જ શાળાઓની ભૌતિક સુવિધાઓના કારણે શિક્ષણનુ સ્તર ઉચ્ચુ આવ્યુ છે. રાજ્યના છેવાડે આવેલ બરડીપાડા ગામની પ્રાથમિક શાળા તેનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application