કોરોના મહામારીએ આખી દુનિયાને પોતાના ચપેટ લીધી હતી ત્યારબાદ તેનાથી રક્ષણ માટે કોરોના વેક્સિનનું સંશોધન કરવામાં આવ્યું હતું. કોરોનાથી બચવા માટે માસ્ક અને વેક્સિન ખૂબ જ વિશ્વસનીય ઉપાયો માનવામાં આવે છે. દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણનાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજથી દેશના 18 થી 59 વર્ષની ઉંમરના તમામ લોકો સરકારી વેક્સિનેશન કેન્દ્ર ખાતેથી કોવિડ વેક્સિનનો બુસ્ટર ડોઝ/પ્રિકોશન ડોઝ/ત્રીજો મફતમાં લઈ શકશે.
આગામી 75 દિવસ સુધી નિશ્ચિત વય મર્યાદા ધરાવતી કોઈ પણ વ્યક્તિ સરકારી વેક્સિનેશન કેન્દ્ર પરથી ફ્રીમાં કોરોનાનો બુસ્ટર ડોઝ લઈ શકશે. 75 દિવસનાં એક વિશેષ અભિયાન અંતર્ગત આ પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોના કહેવા પ્રમાણે, કોવિડનાં પ્રિકોશન ડોઝ અંગે લોકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત આ અભિયાન ચલાવવામાં આવશે તેમજ દેશનાં 18 થી 59 વર્ષની ઉંમરનાં 77 કરોડ લોકો કોરોનાનો બુસ્ટર ડોઝ મેળવવા માટે પાત્ર કહી શકાય.
જોકે તે પૈકીનાં 1 ટકાથી પણ ઓછા લોકોએ પ્રિકોશન ડોઝ લીધેલો છે. સામે 60 વર્ષથી વધારે ઉંમરના આશરે 16 કરોડ લોકો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ તથા ફ્રન્ટ લાઈન કર્મચારીઓમાંથી આશરે 26 ટકા લોકોએ કોરોનાનો બુસ્ટર ડોઝ લીધેલો છે. સત્તાવાર અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ભારતની મોટા ભાગની વસ્તીએ 9 મહિના પહેલા કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો.
ICMR તથા અન્ય આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓમાં કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે વેક્સિનના 2 શરૂઆતના ડોઝ લીધાના આશરે 6 મહિનામાં શરીરમાં એન્ટીબોડીનું સ્તર ઘટવા લાગે છે. ત્યારે બુસ્ટર ડોઝ લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ કારણે જ સરકારે 75 દિવસનાં એક વિશેષ અભિયાનનું આયોજન કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગત સપ્તાહે તમામ લોકો માટે કોવિડ વેક્સિનના બીજા અને બુસ્ટર ડોઝ વચ્ચેના સમયગાળાને 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કરી દીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500