દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંના એક લંડનના હિથ્રો એરપોર્ટ નજીક એક ઈલેસ્ટ્રિકલ સબસ્ટેશનમાં ગુરુવારે મોડી રાત પછી ભયાનક આગળ ફાટી નીકળી હતી, જેને પગલે એરપોર્ટને શુક્રવારે આખો દિવસ માટે બંધ રાખવાની ફરજ પડી હતી. આ સમયે અંદાજે ૧૨૦ જેટલી ફ્લાઈટ હિથ્રો એરપોર્ટ પર ઉતરાણની તૈયારી કરી રહી હતી. આગની ઘટનાના કારણે શુક્રવારે એરપોર્ટ પર ૧૩૫૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ હતી અથવા ડાયવર્ટ કરાઈ હતી, જેના પરિણામે ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વધુમાં પાવર સ્ટેશનમાં રશિયનોએ ભાંગફોડ કરી હોવાની આશંકાથી કાઉન્ટર ટેરરિઝમ પોલીસે પણ તપાસ શરૂ કરી છે. લંડનના હિથ્રો એરપોર્ટથી બે માઈલ દૂર નોર્થ હાઈડ ઈલેક્ટ્રિક સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં ગુરુવારે મોડી રાતે અચાનક જ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડે ૭૦થી વધુ ફાયર ટેન્ડર્સને આગ હોલવવા કામે લગાડયા હતા.
જોકે, ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવતા લગભગ સાત કલાક જેટલો સમય લાગ્યો હતો. છતાં ૧૪ કલાક કરતાં વધુ સમય પછી પણ પાવર સ્ટેશનમાંથી આગના ધૂમાડા નીકળી રહ્યા હતા અને આગ સંપૂર્ણપણે હોલવાઈ નહોતી. આગ લાગતા જ એરપોર્ટ પરથી સેંકડો પ્રવાસીઓને સુરક્ષિત બહાર કઢાયા હતા. આ ઈલેક્ટ્રિક સબ સ્ટેશનમાંથી જ હિથ્રો એરપોર્ટને વીજળી પૂરી પાડવામાં આવતી હોવાથી ઓથોરિટીને તેમનું સૌથી વ્યસ્ત એરપોર્ટ ૨૪ કલાક માટે બંધ રાખવાની ફરજ પડી હતી. એનર્જી સેક્રેટરી ઈડી મિલિબેન્ડે કહ્યું કે, સબ સ્ટેશનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, અમારું માનવું છે કે આજની ઘટનાની અસર આગામી કેટલાક દિવસો સુધી રહેશે. સેંકડો ફ્લાઈટ્સના શિડયુલ ખોરવાઈ ગયા હોવાથી હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હિથ્રો વિશ્વના સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સમાંનું એક છે. આ વર્ષે જાન્યુઆરીમાં ૬૩ લાખથી વધુ પ્રવાસીઓએ એરપોર્ટ પરથી પ્રવાસ કર્યો હતો.
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સમાન સમયમાં પ્રવાસીઓનો ધસારો પાંચ ટકાથી વધુ હતો. નેશનલ રેલે પણ એરપોર્ટથી આવતી અને જતી બધી જ ટ્રેન રદ કરી દીધી હતી. અમેરિકા, સિંગાપોર, તાઈવાન, ચીનથી આવતી સેંકડો ફ્લાઈટ્સે અડધે રસ્તેથી જ પાછા ફરવું પડયું હતું. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, તેણે લંડનના હિથ્રો એરપોર્ટ તરફ જતી તેની બધી જ ફ્લાઈટ્સ ૨૪ કલાક માટે રદ કરી દીધી છે. એક ફ્લાઈટ મુંબઈ પાછી ફરી હતી જ્યારે અન્ય એકને ફ્રેન્કફર્ટ ડાયવર્ટ કરાઈ હતી અને અન્ય ફ્લાઈટ્સને કામચલાઉ ધોરણે રદ કરી દેવાઈ હતી. લંડનના હિથ્રો એરપોર્ટ પર સામાન્ય રીતે રાતના સમયે ફ્લાઈટ્સના આવાગમન પર નિયંત્રણો મુકાયા હોવાથી એરપોર્ટ પર સવારે ૬.૦૦ વાગ્યાથી કામકાજ શરૂ થાય છે.
એટલે કે એરપોર્ટ શુક્રવારે રાતે ૧૧.૫૯ કલાક સુધી બંધ રહ્યું હતું. શનિવારે ૬.૦૦ વાગ્યાથી કામકાજ નિયમિતરૂપે શરૂ થઈ જશે. જોકે, શુક્રવારે સાંજના સમયે હિથ્રોના ટર્મિનલ-૪ ઉપર લાઈટ્સ આવી ગઈ હતી. નેશનલ ગ્રીડે કહ્યું કે, કામચલાઉ ધોરણે વીજપુરવઠો શરૂ કરાયો છે. આમ છતાં, એરપોર્ટ આજનો દિવસ બંધ જ રહેશે. સબસ્ટેશનમાં આગના કારણે વીજ પુરવઠો અટકી જવાથી અંદાજે ૧૬,૦૦૦થી વધુ ઘરોમાં અંધારપટ ફેલાઈ ગયો હતો. સ્કોટિશ એન્ડ સધર્ન ઇલેકિટ્રસીટી નેટવર્કસે એક્સ પર પોસ્ટમાં જણાવ્યું હતું કે, આશરે ૧૬,૩૦૦ ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. આપત્તિકાલીન સેવાઓ તુર્ત જ કાર્યરત બનાવી દેવાઈ હતી. પરંતુ આગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થતું નથી. આગ ટ્રાન્સફોર્મર ફાટી જવાથી લાગી પરંતુ ટ્રાન્સફોર્મર શા કારણે ફાટયું તે જાણી શકાયું નથી. સબસ્ટેશનમાં લાગેલી ભયાનક આગના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500