‘સ્વસ્થ રહે સદા ગુજરાત, આગળ ધપે સદા ગુજરાત’ મંત્ર થકી ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારો સુધી આરોગ્યલક્ષી સેવાઓ પહોચાડવાનો હેતુ વર્તમાન સરકારનો છે. આ ધ્યેય હેઠળ મિશન ઈન્દ્રધનુષ યોજના છેવાડાના માનવી સુધી પહોચાડવાની દિશામાં લોક ભાગીદારીથી કામગીરી હાથ ધરી આરોગ્ય વિભાગ કામગીરી કરી રહ્યું છે. આ મિશન અંતર્ગત ૦ થી બે વર્ષથી નાની ઉંમરના બાળકો તેમજ ૨ થી ૫ વર્ષના બાળકો અને રાજ્યની સગર્ભા બહેનોને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાનો ઉદ્દેશ છે. ભરૂચ જિલ્લામાં આજથી ૧૨ ઓગસ્ટ, ૧૧ થી ૧૬ સપ્ટેમ્બર અને ૯ થી ૧૪ ઓક્ટોબર ૨૦૨૩માં મિશન ઈન્દ્રધનુષ ૫.૦ નું આયોજન કરવામા આવ્યું છે. જેમાં તમામ સા.આ. કેન્દ્ર તથા પ્રા. આ. કેન્દ્ર ખાતે ત્રણ રાઉન્ડમાં રસી આપવામાં આવનાર છે. ભરૂચ જિલ્લામાં આજથી ૧૨ ઓગસ્ટ સુધીમાં જિલ્લાના નકકી કરેલા સ્થળોએ અંદાજીત ૫૨૫ જેટલા રસીકરણના સેશન યોજાશે.
જેમાં સર્વે મુજબ ૦ થી ૨ વર્ષ સુધીના ૨૭૨૭ બાળકો અને ૨ થી ૫ વર્ષ સુધીના ૨૨૪ બાળકો તેમજ ૭૦૮ જેટલી સગર્ભા માતાઓને આ યોજનામાં આવરી લેવામાં આવી છે. ગુજરાતથી આરંભાયેલા મિશન ઇન્દ્રધનુષ ૫.૦ અભિયાન અંતર્ગત રાજ્યભરના સગર્ભા બહેનો અને બાળકોને ધનુર, ઝેરી કમળો, પોલિયો, ક્ષય, ડીપ્થેરીયા, ઉટાટીયું, હીબ બેક્ટેરિયાથી થતો ન્યુમોનિયા તેમજ મગજના તાવ જેવા રોગો અને ઓરી, રૂબેલા જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક રસી આપવામાં આવે છે. નોંધનિય છે કે, દેશના ભવિષ્ય સમાન બાળકોને સુરક્ષિત રાખવા માટે અને સગર્ભા માતાઓને ૧૨ જેટલા જીવલેણ રોગો સામે રક્ષણ આપવા વર્ષ ૨૦૧૪ થી મિશન ઇન્દ્રધનુષ અભિયાન હેઠળ રસીકરણ કરવામાં આવે છે. હાલ, સમગ્ર ગુજરાતમાં ૧૨ જેટલા જીવલેણ રોગો સામે બાળકોને રક્ષણ આપવા દર વર્ષે ૨ કરોડ ૬૦ લાખ બાળકોને સાર્વત્રિક રસીકરણ યોજના હેઠળ આવરી લેવાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500