Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શૈક્ષણિક કેલેન્ડર મુજબ વર્ષ-2023-24નું સત્ર 5મી જૂનથી શરૂ થશે, ગુજરાત બોર્ડની સ્કૂલોમાં એપ્રિલથી સત્ર શરૂ કરવાનો નિર્ણય અભરાઈએ

  • May 04, 2023 

ગુજરાત બોર્ડ સાથે સંલગ્ન સ્કૂલોમાં CBSEની માફક શૈક્ષણિક સત્ર એપ્રિલથી શરૂ કરવાની ચાર વર્ષ પહેલા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ બે વર્ષ કોરોના મહામારીના કારણે નિર્ણય ન થયો અને ચાલુ વર્ષમાં સરકારે લીલીઝંડી આપી ન હોવાથી નિર્ણય થઈ શક્યો નહોતો. બીજી તરફ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ વર્ષ-2023-24નું સત્ર 5મી જૂનથી શરૂ થશે અને એ પછીના વર્ષ-2024-25નું સત્ર પણ જૂન માસની 10મી તારીખથી શરૂ થવાની જાહેરાત કરી છે.



બોર્ડે જાહેર કરેલા કેલેન્ડર પરથી કહી શકાય કે સરકારે રાજ્યની સ્કૂલોમાં એપ્રિલથી સત્ર શરૂ કરવાનો નિર્ણય અભરાઈએ ચડાવી દીધો છે. નવા વર્ષમાં બંને સત્રના મળીને શૈક્ષણિક કાર્ય પાછળ 246 દિવસ ફાળવવામાં આવ્યાં છે. ગત વર્ષની સરખામણીએ નવા વર્ષમાં શિક્ષણકાર્ય પાછળ વધુ 12 દિવસ ફળવાયાં છે. વર્ષ-2023-24માં શિક્ષણકાર્ય પાછળ 234 દિવસ ફળવાયા હતા. આમ નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણ, વેકેશન, રવિવાર અને જાહેર રજામાં કુલ 372 દિવસની વહેચણી કરાઈ છે.


શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ વર્ષ-2023-24નું પ્રથમ સત્ર 5મી જૂનથી શરૂ થશે અને 8મી ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે, જેમાં શૈક્ષણિક કાર્ય માટે કુલ 124 દિવસ મળશે.બીજુ સત્ર 30 નવેમ્બર-2023થી 5મી મે-2024 સુધીનું રહેશે, જેમાં શૈક્ષણિક કાર્ય માટે 127 દિવસ મળશે. આમ કુલ 251 દિવસ ફળવાયા છે જેમાં 5 સ્થાનિક રજા બાદ કરતાં શૈક્ષણિક કાર્ય માટે ચોખ્ખા 246 દિવસ રહેશે. ગત વર્ષ-2022-23માં શૈક્ષણિક કાર્ય માટે કુલ 241 દિવસ ફાળવાયા હતા જેમાં 7 સ્થાનિક રજા અપાઈ હોવાથી શૈક્ષણિક કાર્ય માટે 234 દિવસ રહ્યાં હતા. આમ વર્ષ-2022-23ની સરખામણીએ વર્ષ-2023-24માં શિક્ષણકાર્ય માટે વધુ 12 દિવસ ફળવાયાં છે.


કેલેન્ડરમાં જાહેર કરેલ વિકેશનના કાર્યક્રમ મુજબ વર્ષ-2023-24માં 21 દિવસનું દિવાળી વેકેશન તા.9 નવેમ્બરથી 29 નવેમ્બર દરમિયાન મળશે જ્યારે 35 દિવસનું ઉનાળુ વેકેશન 6 મે-2024થી 9 જૂન-2024 સુધીનું રહેશે. આ સિવાય 19 જાહેર રજા અને 5 સ્થાનિક રજા મળી રવિવાર સિવાય કુલ 80 રજાઓ રહેશે. આખા વર્ષમાં રવિવારની 46 રજા સ્કૂલોને મળશે. આમ આખુયે શૈક્ષણિક વર્ષ કુલ 372 દિવસમાં આવરી લેવામાં આવ્યું છે. કેલેન્ડરમાં ધોરણ.9થી 12ની પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અને પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ધો.9 અને 11ની દ્વિતીય પરીક્ષા માટે જૂનથી જાન્યુઆરીના ત્રીજા અઠવાડીયા સુધીનો અભ્યાસક્રમ રહેશે. ધો.10 અને 12ની બોર્ડની તેમજ ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂછાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News