ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી 2024 માટે 195 ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી દીધી છે. તેમાં અબ્દુલ સલામ એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર છે. તેના કારણે તેઓ ખૂબ ચર્ચામાં છે કેમ કે વર્ષ 2019માં કોઈ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નહોતા. અબ્દુલ સલામને કેરળની મલપ્પુરમ સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને મંત્રમુગ્ધ કરી દીધા છે. અબ્દુલ સલામ 71 વર્ષના છે અને કેરળની ચૂંટણી રાજનીતિથી પરિચિત છે. વર્ષ 2016માં ભાજપે તેમને તિરૂર વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવ્યા હતા. જો કે, તેઓ ચૂંટણી હારી ગયા હતા, પરંતુ તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા ચર્ચામાં રહ્યા. તેમણે શિક્ષણ ક્ષેત્રમાં લાંબો સમાય વિતાવ્યો છે.
કરિયર દરમિયાન તેઓ HODથી લઈને એસોસિએટ ડીન જેવા મહત્ત્વના પદો પર પણ રહ્યા. 13 પુસ્તકો પ્રકાશિત કરનારા અબ્દુલ સલામ કાલિકટ યુનિવર્સિટીના કુલપતિ પણ રહ્યા. એવા સમાચાર છે કે, તેઓ કુવૈત અને સુરીનામમાં વિઝિટિંગ પ્રોફેસર પણ રહ્યા.એક રિપોર્ટ મુજબ, અબ્દુલ સલામનું કહેવું છે કે તેઓ (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) એક એવા વ્યક્તિ છે, જેમણે મને મંત્રમુગ્ધ કરી દીધા છે. આખી દુનિયા મોદીજીની આસપાસ ફરી રહી છે. આ તેમનું વ્યક્તિત્વ, વિચાર, મિશન અને કામની તાકત છે. તેમના મનમાં બધાને સાથે લઈને ચાલવાના ભાવ છે.
તેઓ આખા દેશને એક નજરથી જુએ છે. તમે એવા કોઈ બીજા નેતાનું નામ લઈ લો, હું તેમની સાથે ઊભો થઈ જઈશ. મેં 21 વર્ષોમાં તેમને ગુજરાતથી દિલ્હી પહોંચતા જોયા છે. અબ્દુલ સલામ સ્થાનિક મૌલવીઓ પર પણ સવાલ ઉઠાવે છે. રિપોર્ટ્સ મુજબ, તેમણે કહ્યું કે, સ્થાનિક મુલ્લાઓની વાતો પર ધ્યાન આપવાની જરૂરિયાત નથી કે આ કાફિર કે ફલાણા. કાફિર શું હોય છે? જ્યાં સુધી તમે ઇસ્લામ સ્વીકાર્યો નહોતો ત્યાં સુધી તમે પણ કાફિર જ હતા. તેમને કાફિર રહેવા દો. મારું અસલી કામ મોદીની રોશનીમાં આ અજ્ઞાન સમાપ્ત કરવાનું છે.
મારો મંત્ર છે, અલ્લાહ, કુરાન, બાઇબલ અને ભગવદ્ ગીતામાં ભરોસો રાખો. બધા ધાર્મિક ગ્રંથોને જુઓ, તો તમને નજરે પડશે કે દરેક જગ્યાએ પ્રેમ અને ખ્યાલ રાખવાની શિખામણ આપવામાં આવી છે. મોદી તેમાં જ વિશ્વાસ રાખે છે. તેઓ કહે છે કે મેં મોદીથી સારા વ્યક્તિ જોયા નથી. તેઓ હિન્દુ હશે, પરંતુ આ તેમની અયોગ્યતા નથી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કથિત મુસ્લિમ વિરોધી છબીને લઈને કહ્યું કે, આ વિરોધીઓ દ્વારા ઘડવામાં આવેલું નેરેટિવ છે. રિપોર્ટ મુજબ, તેમણે કહ્યું એક, સાચી વાત તો એ છે કે આ બધુ નકલી છે. તેઓ કોઈ ઘટના માટે સીધી રીતે જવાબદાર નહોતા. બધુ કાલ્પનિક નેરેટિવ છે. તમે એ લોકો સાથે વાત કરો, જે એક તરફ ઝૂકેલા નથી અને તથ્યોને ધ્યાનમાં રાખીને વિશ્લેષણ કરો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500