વાલોડના મોરદેવી ખાતે આવેલ વિકાસ સ્ટોન કવોરીમાં હિટાચીનાં ઓપરેટર ઉપર ડ્રાઇવર તરીકે પ્રવીણભાઈ મગનભાઈ ગામીત નોકરી કરતો હતો. તા.24મી જાન્યુઆરી નારોજ સાંજનાં સમયે પ્રવીણભાઈ તથા તેનો મિત્ર કૃપલભાઈ કનુભાઈ ગામીત તેમની બાઈક નંબર GJ/26/F/3918 ઉપર બેસી વાલોડ ખાતે કરિયાણાનો સામાન લેવા ગયા હતા.
જોકે વાલોડથી કરિયાણાનો સામાન લઈ મોરદેવી ખાતે આવેલ વિકાસ સ્ટોન કવોરીની ખાણ પર જવા નીકળ્યા હતા. તે સમયે બાઈક પ્રવીણભાઈ ચલાવતા હતા અને તેમનો મિત્ર કૃપલભાઈ બાઈક પર પાછળ બેઠા હતા અને સાંજના સમયે વિકાસ સ્ટોન કવોરીની ખાણ પાસે કોસંબીયા ગામથી મોરદેવી નદી તરફ જતા કાચા રોડ પર આવતા સામેથી એક ટ્રક આવતા પ્રવીણભાઈએ પોતાની બાઈક કાચા રોડની સાઈડમાં ઉભી રાખેલ હતી. તે અરસામાં નજીકમાં આવેલ વિકાસ સ્ટોન કવોરીની ખાણમાં પથ્થર ફોડવા માટે બ્લાસ્ટ થતા એક પથ્થર હવામાં ઉછળી બાઈક તરફ આવતો હતો.
જેને કારણે પાછળ બેસેલ કૃપલભાઈ પાછળની સીટ પરથી કૂદીને નીચે ઉતરી ગયેલ અને પ્રવીણભાઈ બાઈક ઉપર બેસેલ હોય જેને પથ્થર પડતાં જોઈને નીચે માથું કરવા જતા તેના માથાનાં ભાગે પથ્થર વાગતા પ્રવીણભાઈ બાઈક સાથે નીચે પડી ગયેલો. આ સમયે એમની સામે ખાણમાં કામ કરતા મજૂર વિનયભાઈ મહેન્દ્રભાઈ ગામીત પણ ત્યાં દોડી આવેલ અને પ્રવીણભાઈને માથાનાં પાછળનાં ભાગે ઈજાઓ થયેલ હોય જેથી વિનયભાઈ સાથે કૃપલભાઈ ઈજા પામનાર પ્રવીણભાઈને બાઈક ઉપર બેસાડી સારવાર માટે વાલોડ તરફ આવતા હતા.
ત્યારે રસ્તામાં વિકાસ સ્ટોન કવોરીના માલિક કાર લઈને આવતા હોય ઈજાગ્રસ્ત પ્રવીણભાઈને કારમાં બેસાડી સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રવીણભાઈને પ્રાથમિક સારવાર આપતા હતા તે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાલોડ પોલીસ દ્વારા ફરિયાદના આધારે અકસ્માત મોત બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500