રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે દેશભરમાંથી કુલ ૭૫ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે જે તેમને ૫ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા એનાયત કરવામાં આવશે.પસંદ કરાયેલા શિક્ષકોમાં, સૌથી વધુ ગુજરાતનાં પાંચ અને ત્યારબાદ કર્ણાટક અને મહારાષ્ટ્રના ચાર-ચાર શિક્ષકોને પુરસ્કાર આપવામા આવશે.ઉત્તર પ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાંથી ત્રણ-ત્રણ શિક્ષકોને અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.
શિક્ષણ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર પસંદ કરાયેલ અવૉર્ડ મેળવનારાઓમાં ૫૦ શાળાના શિક્ષકો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના ૧૩ શિક્ષકો અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના ૧૨ શિક્ષકોનો સમાવેશ થાય છે.દરેક અવૉર્ડમાં મેરિટનું પ્રમાણપત્ર, ૫૦,૦૦૦ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને સિલ્વર મેડલ આપવામાં આવે છે.અવૉર્ડ વિજેતાઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાર્તાલાપ કરવાની તક પણ મળશે.
રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો ઉદ્દેશ્ય દેશના શિક્ષકોના અનન્ય યોગદાનની ઉજવણી કરવાનો અને એવા શિક્ષકોનું સન્માન કરવાનો છે કે જેમણે તેમની પ્રતિબદ્ધતા અને સમર્પણ દ્વારા માત્ર શિક્ષણની ગુણવત્તામાં માત્ર સુધારો જ કર્યો નથી, પરંતુ તેમના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે.ગુજરાતમાંથી દીપક જેઠાલાલ મોતા, રીટાબેન નિકેશચંદ્ર ફુલવાલા, મહેતા ઝંખના દિલીપભાઈ, ઈન્દ્રનાથ સેનગુપ્તા અને સત્ય રંજન આચાર્ય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500