નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ બાદ જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વે ટુકડીઓ દ્વારા હાથ ધરાયેલી સર્વેની કામગીરી અંતર્ગત આજે તા.૧૫ મી જુલાઈ,૨૦૨૨ સુધી કુલ-૬૩૯ જેટલી વ્યક્તિઓને કેશડોલ્સ પેટે રૂ.૮૩,૪૨૦/- ની સહાયની રકમ ચૂકવવામાં આવી છે. તદ્ઉપરાંત ઘરવખરી સહાય અન્વયે ૨૨ વ્યક્તિઓને રૂ.૪૪,૦૦૦/- ની સહાય તેમજ ૨૨ વ્યક્તિઓને રૂ.૩૯,૬૦૦/- ની રકમ કપડા સહાયની રકમ ચૂકવવામાં આવી છે.
તેવી જ રીતે સંપૂર્ણ નાશ પામેલ ૨૦ જેટલા કાચા મકાનોના માલિકને રૂા.૩,૭૦,૪૦૦/- ની સહાય, અંશત: નાશ પામેલ ૩૭ કાચા મકાનોના માલિકને રૂ.૫૧,૨૦૦/- ની સહાય ચુકવવામાં આવી છે. તદ્ઉપરાંત પશુ મૃત્યુના કિસ્સામાં ૧૪ નાના પશુઓ માટે રૂ.૫૧,૦૦૦/- તથા ૭ મોટા પશુઓ માટે રૂ.૧,૩૫,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવી છે. હજી પણ સહાયથી બાકી રહેલા કિસ્સાઓમાં ઉક્ત સહાય ચૂકવવાની ઝડપભેર કામગીરી જિલ્લામાં જારી રહેલ છે. આમ, નર્મદા જિલ્લામાં આજે તા.૧૫ મી જુલાઇ,૨૦૨૨ સુધીમાં ઉક્ત વિવિધ સહાય પેટે કુલ-૭.૭૪ લાખથી પણ વધુની રકમ ચુકવવામાં આવી હોવાનો અહેવાલ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500