સુરતની સેવાભાવી સંસ્થા પથવિજય ભગવાન ધર્મચક્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવા કાર્યોનું આયોજન કરાતું રહે છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી જગવલ્લભ સુરી મ. સા.ના આશીર્વાદ અને પ્રેરણાથી ચાલતી આ સંસ્થા દ્વારા શનિવારે ગાંધીજયંતી નિમિત્તે પુણા બોમ્બે માર્કેટ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર કરંજ ખાતે વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેનો આશરે ૬૦૦ જેટલા લોકોએ લાભ લીધો હતો.
તાજા ખીલેલા ફૂલોની સંસ્કારિતાની સુગંધ પ્રસરાવતી સંસ્થા પથવિજય ભગવાન ધર્મ ચક્ર ચેરીટેબલ ટ્રસ્ટ મહામારી સમાન કોરોના થી એકધારી નિષ્ઠાપૂર્વક સમાજ સેવાની સાથે ગરીબ લોકોના હામી બની રહી છે જ્યાં ટુકડો ત્યાં મારો હરિ ઢુકડો જેવું આ સંસ્થા નું કામ છે જ્યાં માનવ ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ આ વાતને વજુ કાકા પારેખ આબેહૂબ રીતે સાર્થક કરી રહ્યા છે. પોતે જાતે તેમના વાહનમાં સુરતથી લઈને છેવાડાના ડાંગ સહિતના ઉંડાણના વિસ્તારોમાં આવેલા ઝુંપડપટ્ટી તેમજ પછાત અને નબળા વિસ્તારોમાં ભોજન સહિતની વસ્તુઓનું વિતરણ કરી સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે.
કોરોના કાળમાં જરૂરિયાત મંદોને ભોજનના પાર્સલો વિતરણ કરી અને માનવતાવાદી સેવાયજ્ઞ લાંબા સમયથી કરનાર આ સંસ્થા ભગીરથ કાર્ય કરી માનવજાત માટે ઉત્તમ સેવા નું ઉદાહરણ પુરુ પાડી રહી છે ત્યારે આવી સંસ્થા દ્વારા પુણા બોમ્બે માર્કેટ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર કરંજ ખાતે આ મેડિકલ કેમ્પનું આજે ગાંધી જયંતિના દિને આયોજન કરીને સંસ્થાની યશ કલગીમાં વધુ એક સેવાનું મોરપીંછ ઉમેર્યું હતું.
જેમાં વિનામૂલ્યે સેવા પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત કેમ્પના લાભાર્થીઓને સ્થળ પર વિનામૂલ્યે દવાઓ પૂરી પાડવામાં આવી હતી મેડ ટેપ લેબોરેટરી તરફથી અઢીસો જેટલા લોકોના વિવિધ ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા. જેમાં લેબોરેટરીના સુભાષભાઈ. જયશ્રી રાવલ. અને પૂજાબેન વિગેરે એ ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડી હતી.
આજે ગાંધી જયંતિના દિને યોજવામાં આવેલા મેડિકલ કેમ્પ માં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ તથા આ કેમ્પમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. સ્વરૂપજીવન દાસજી સ્વામી, મેયર હેમાલીબેન બોઘાવાલા, પદ્મશ્રી કનુ ટેલર, ધબકારના એડિટર નરેશભાઈ વરીયા. પ્રવીણ ભાઈ દોશી, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના કાયમી સેવાભાવી તબીબો ડો. હિંમતભાઈ વોરા, ડો. બાલુભાઇ કાછડીયા, ઉપરાંત ડો. હાર્દિક દોશી (ડેન્ટિસ્ટ), ડો. નિરંજનાબેન પટેલ (સ્ત્રીરોગ નિષ્ણાંત), ડો. ભદ્રેશભાઈ શાહ (જનરલ) વગેરે એ આ કેમ્પમાં સેવાઓ આપી હતી સમગ્ર આયોજન માટે સંસ્થાના પ્રમુખ વિભાબેન પારેખે જહેમત ઉઠાવી હતી અને કેમ્પના આયોજન માં સહયોગ અને સેવા આપનાર લોકોનો આભાર માન્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500