આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ અને માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોના બલિદાનને વંદન અને તેમના પરિવારોનું સન્માન કરવા દેશભરમાં તા.૯ ઓગસ્ટથી શરૂ થયેલા “મારી માટી, મારો દેશ” અભિયાન હેઠળ આજે અંકલેશ્વર ખાતે આવેલા લેક વ્યુહ પાર્ક ખાતે “મારી માટી, મારો દેશ” અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. . આ તકે અંકલેશ્વર ગામના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.ઈશ્વરભાઈ ધેલાભાઈ કાયસ્થને યાદ કરી તેમના સ્નેહીને સરદારની પ્રતિમા આપી તેમનું સન્માન કરી ‘શિલાફલકમ’ તકતીનું અનાવરણ કરાયું હતું. આ સાથે સૌએ પંચ પ્રણ અંતર્ગત માટીના દીવા સાથે પાંચ પ્રતિજ્ઞાઓ લીધી હતી. સ્વ.ઈશ્વરભાઈના પુત્ર સુનિલભાઈ કાયસ્થ અને કુમુદચંદ્ર કાયસ્થ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ૧૯૪૦થી મારા પિતા આઝાદીની લડતમાં અગ્રેસર રહ્યા હતા.
હાથમાં ઝંડો લઈને સવારના પ્રભાતફેરીએ નિકળી જતા અને આજુબાજુની તમામ સભા- સરઘસ સાથે રાત્રી સભાઓમાં લોકોને જાગૃત કરવાનું કામ કરતા. અંગ્રેજોને ગુલામીમાંથી દેશને આઝાદી અપાવવા માટે ગામે -ગામ પત્રિકાઓની વહેંચણી કરતા હતા. ગાંધીજીએ આપેલા અસહકારના નારાથી સરકારના તમામ કાર્યનો વિરોધ ,વિદેશી માલનો બહિષ્કાર જેવા કાર્યક્રમમાં અગ્રણી ફાળો રહ્યો છે. કુમુદચંદ્ર કાયસ્થના પિતા સ્વ.ઈશ્વરભાઈએ કહેલો ભૂતકાળનો એક પ્રસંગ યાદ કરીને તેમણે કહ્યું હતું કે, લોકોને એક નેજા હેઠળ લાવવા માટે અંકલેશ્વર ખાતે જિનવાલા હાઈસ્કુલ પાસે જમણવારનો કાર્યક્રમ રાખ્યો હતો.
તમામ નાત, જાતના લોકોને આમંત્રણ આપીને આઝાદીની ચળવળમાં યોગદાન માટે અનુરોધ કર્યો અને ત્યાંથી અંગ્રેજો વિરૂધ્ધ જોરથી નારેબાજી કરી સરઘસ કાઠ્યું હતું, આઝાદ ભારત ઝીંદાબાદ, બ્રિટીશ સરકાર મુર્દાબાદ... નારેબાજી વચ્ચે જ અચાનક ચૌટા નાકા પાસે જ અંગ્રેજોએ માર્શલ લો ઝીંકીને લાઠીચાર્જ કર્યો. ઘણા લોકો ઘાયલ થયા. ઝંડો લઈને આગળ ચાલવાને કારણે હાલની જૂની મામલતદાર કચેરીના ટેકરા પાસે આવેલી જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. આમ, અસહકારની ચળવળથી લઈ હીંદ છોડો આંદોલનમાં પોતાનું અમૂલ્ય યોગદાન તેમણે આપ્યું હતું. સંસ્મણો વાગોળીને તેઓ હંમેશા કહેતા કે, બંદુકની સામે બંદુક ચલાવવાની હતી, મોતને મુઠ્ઠીમાં લઈને કામ પાર પાડવાનું હતું.
વધુમાં, સ્વાતંત્ર્ય સેનાની કુમુદભાઈ કાયસ્થે કહ્યું હતું કે, યુવાપેઢીએ આઝાદીના લડવૈયાઓ, સરહદના સૈનિકોએ આપેલા બલિદાનોને યાદ કરી તેમાંથી પ્રેરણા મેળવીને જિલ્લા, રાજય અને રાષ્ટ્રને અગ્રેસર બનાવવાનો અનુરોધ તેમણે કર્યો હતો. ભારતના સમૃધ્ધ વારસા અને આઝાદીના ગૌરવનું સન્માન કરવાની હિમાયત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “મારી માટી,મારો દેશ” અભિયાન અંતર્ગત દેશ માટે બલિદાન આપનારા વીર સપૂતોને યાદ કરીને દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત કરવાનો અનેરો ઉત્સવ કર્યો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીના સ્નેહીઓનું સન્માન કરવા બદલ રાજ્ય સરકાર અને વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500