નવસારીના જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને ચીખલીના સુરખાઇ ઢોડિયા સમાજની વાડી ખાતે યોજાયો હતો. જેમા તાલુકાના અંદાજે ૩૦૦ જેટલા પશુપાલકો ઉત્સાહ સાથે પશુપાલન શિબિરમાં ભાગ લીધો હતો. પશુપાલન શિબિરમાં પશુઆહાર, પશુસંવર્ધન, પશુમાવજત, પશુઆરોગ્ય, દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તેમજ પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વિશે વિસ્તૃતમા માહિતી આપવામા આવી હતી. આ શિબિરમા કૃષિના નિષ્ણાંતો દ્વારા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા પર ભાર મુકવામા આવ્યો હતો.
આ પ્રસંગે નવસારી જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારા દેશી ગાય આધારીત ખેતી કરી પશુપાલકોની આર્થિક સુખાકારીમાં વધારો કરવા માટે પશુપાલકોને આહવાન કરવામાં આવ્યું હતુ અને પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલન કરી ઓછા ખર્ચે વધુ આવક કેવી રીતે મેળવી શકાય અને પશુપાલન વ્યવસાયમાં કેવી રીતે આગળ વધી શકાય તે વિષય પર માર્ગદર્શન આપ્યું હતુ. કાર્યક્રમમાં નવસારી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી શ્રીમતી અંબાબેન માહલા, ચીખલી, વાંસદા, ખેરગામના અને વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યોશ્રીઓ પશુપાલન વિષય નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500