નવસારી જિલ્લાના વાંસદા-ચીખલી માર્ગ પર આવેલા વાંસદાના કાંટસવેલ ગામે બે બાઇક વચ્ચે અકસ્માત થતા એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ્યારે બીજા ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું, તો એકને ઈજા પહોંચતા સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકાના લીમઝર ગામે ડુંગરપાડા ફળિયામાં રહેતો નિતેશ નરોતમભાઈ ગાયકવાડ (ઉ.વ.૩૪) તેની હીરો હોન્ડા ડિલક્ષ બાઈક લઈ ચીખલીના બામણવેલ ગામેથી મજૂરી કરી ઘરે જવા નીકળ્યો હતો. કાંટસવેલ બસ સ્ટોપ પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો.
તે દરમિયાન વાંસદાથી ચીખલી તરફ જઈ રહેલ યામાહા એમટી-૧૫ બાઇકનો ચાલક બિજેશ બાળજુભાઈ ખરપડે (ઉ.વ.૨૩., રહે.રંભાસ, નિશાળ ફળિયા, તા. વઘઇ, જિ.ડાંગ)એ તેને અડફટે લેતા બન્ને બાઇક ચાલકને ગંભીર ઈજા થઈ હતી. બ્રિજેશ તેના મિત્ર સાથે ઘરેથી મજૂરીકામ માટે સુરત જતો હતો ત્યારે અકસ્માત નોતર્યો હતો. આ અકસ્માતમાં નિતેશ ગાયકવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે બ્રિજેશ ખરપડે અને તેની પાછળ બેઠેલા તેના ગામમાં જ રહેતા પાર્થીવ ગર્વજભાઈ પવારને ૧૦૮ એમ્બ્યુલન્સમાં વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં. જ્યાં બ્રિજેશ ખરપડેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંસદા પોલીસે મરનાર નિતેશનો નાનો ભાઈ તરુણ ગાયકવાડે સારવાર દરમિયાન મોતને ભેટેલા બ્રિજેશ ખરપડે વિરુદ્ધ ગુનો નોંધાવતા વાંસદા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સી. એલ. મોહિતેએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500