Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૫,૯૧૯ હેકટરમાં વાવેતર કરાયું

  • July 20, 2022 

તાપી જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની પધરામણી થતા અત્યાર સુધીમાં સરેરાશ-૮૨૭ મીમી/૩૩ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા ૧૦ દિવસથી ભારે વરસાદના પગલે ખેતરોમાં વાવણી/રોપણીની કામગીરીમાં ખલેલ પડ્યો હતો.પરંતું જિલ્લામાં વરસાદનો જોર હળવો થતા ધરતી પુત્રો ફરી વાવેતરમાં જોડાઇ ગયા છે.


જિલ્લામાં ખેડૂતોએ ખેતરમાં જુવાર, મકાઇ, તુવેર, કપાસ, સોયાબીન અને શાકભાજી સહિતની રોપણી ચાલુ કરી દીધી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ- ૪૫,૯૧૯ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. તાપી જિલ્લાની પરિસ્થિતી જોઇએ તો દર વર્ષે સરેરાશ ૧,૧૪,૨૬૧ વિસ્તારમાં વાવેતર થાય છે જેની સામે આ વર્ષે રોપણીની શરૂઆત સારી થવા પામી છે. 


ચાલુ વર્ષે જિલ્લામાં 19 જૂનથી ચોમાસાનો પ્રારંભ ઝરમર વરસાદથી થતા ધરતીપુત્રો દ્વારા વાવણીની શરૂઆત થઈ ચૂકી છે. જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન ખરીફ પાકોમાં ડાંગર, જુવાર, મકાઇ, તુવેર, મગ, અડદ, મગફળી, કપાસ, સોયાબીન, વિવિધ શાકભાજી અને ઘાસચારોનું વાવેતર થયું છે. જિલ્લામાં આજદિન સુધીની સ્થિતિ મુજબ અત્યાર સુધી સૌથી વધુ ડાંગરનું  વાવેતર કુલ-૧૪,૫૮૮ હેકટર વિસ્તારમાં થયું છે.પાક અનુસાર જોઇએ તો, તાપી જિલ્લામાં અત્યાર સુધી ડાંગરનું વાવેતર ૧૪,૫૮૮ હેક્ટરમાં, જુવાર-૨૭૬૦ હેકટર, મકાઇ-૧૩૧૭ હેકટર, તુવેર-૭૫૩૨ હેકટર, મગ-૮૭ હેકટર, અડદ- ૪૩૮ હેકટર, મગફળી- ૧૩૧૪ હેકટર, સોયાબીન-૫૩૨૪ હેકટર,  શાકભાજી-૨૬૨૩ હેકટર, અને ઘાસચારો-૧૦૨૫ હેકટર વિસ્તાર મળી જિલ્લામાં કુલ- ૪૫,૯૧૯ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. 


તાપી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર તાપી જિલ્લામાં તાલુકાવાર જોઇએ તો સૌથી વધુ ૧૫,૭૪૫ હેકટર વાવેતર સોનગઢ તાલુકામાં થયું છે.  ૮૦૯૨ હેક્ટર કુકરમુંડા તાલુકામાં, ૬૩૮૪ હેકટર ઉચ્છલ તાલુકામાં,  ૫૯૯૪ હેકટર ડોલવણ તાલુકા, ૫૧૩૮ નિઝર તાલુકા,  ૩૬૫૧ હેકટર વ્યારા તાલુકા અને સૌથી ઓછુ ૯૧૫ હેકટર વાલોડ તાલુકામાં વાવેતર થયુ છે. સામાન્ય રીતે જુલાઇ મહિનામાં જિલ્લામાં વાવેતરની પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે. પરંતું સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે થયેલા નુકશાનને પગલે વાવણીની પ્રક્રિયા ખેડૂત મિત્રો દ્વારા હાલ શરૂ કરવામાં આવી છે. જે અંદાજીત આગામી એક મહિના દરમિયાન વાવેતરની સંપૂર્ણ પ્રક્રિયા સમગ્ર પંથકમાં પૂર્ણ કરવામાં આવશે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application