રાજકોટ જિલ્લામાંથી 4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશીઓને પોલીસે પકડી પાડ્યા છે. હાલ, પોલીસ તમામની પૂછપરછ કરી રહી છે અને બાદમાં તેમની ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ, વર્ષો પહેલાં આ પાકિસ્તાની રાજકોટ આવ્યા હતા અને બાદમાં પરત નહતા ફર્યા. લગભગ બે દાયકા કરતાં વધુ સમયથી તેઓ ગેરકાયદે રાજકોટમાં રહેતા હતા. આ પાકિસ્તાનીઓમાંથી એક સગીર હોવાનું પણ સામે આવ્યું છે. આ સિવાય પોલીસ તપાસમાં રાજકોટના ભગવતીપરા, મોરબી રોડ, રામનાથપરા, જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આ 6 બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું હતું.
હાલ, રાજકોટમાંથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓની સંખ્યા 21 થઈ ગઈ છે. રાજ્યમાં ઘૂસણખોરી અંગે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા પોલીસ તેમજ ગ્રામ્ય SOG અને LCBની ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં ઘૂસણખોરી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન LCBને મળેલી બાતમીના આધારે ટીમે લોધીકા તાલુકામાં પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યાં 4 પાકિસ્તાની નાગરિકો ગેરકાયદે રહેતા હોવાનું સામે આવતા તેમેને ઝડપી લેવાયા હતાં. મળતી માહિતી મુજબ, આ પાકિસ્તાની પરિવાર પાસેથી ભારતીય ચૂંટણી કાર્ડ સહિતના પુરાવા પણ મળી આવ્યા હતાં. જે વિશે વધુ પૂછપરછ હાથ ધરાતા તેઓએ પાકિસ્તાની હોવાનું કબૂલ્યું હતું. દોઢ દાયકા પહેલાં તેઓ પાકિસ્તાનથી રાજકોટ આવ્યા હતાં પરંતુ, બાદમાં તેઓ પાકિસ્તાન પરત નહતા ફર્યાં હતા. હાલ બાંગ્લાદેશીઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં પૂછપરછ બાદ અનેક મોટા ખુલાસા થવાની આશંકા છે. તમામની યોગ્ય પૂછપરછ થયા બાદ વિદેશ નાગરિક હોવાની પુષ્ટિ થતાં જ તેમને પોતાના દેશ ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500