સુરત જિલ્લામાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહીનાં પગલે રેડ એલર્ટ જારી કરતા વહીવટીતંત્ર પણ સતર્ક થઇ ગયુ છે. ભારે વરસાદનાં કારણે સુરત જિલ્લાના 28 રસ્તાઓ પર પાણી ફરી વળતા અવર જવર માટે બંધ કરી દેવાયા છે. એક NDRF અને એક SDRFની ટીમ સુરત જિલ્લામાં તૈનાત કરી દેવાઇ છે.
સુરત જિલ્લાનાં ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં સતત દેમાર વરસાદ વરસી રહ્યો હોવાથી પરિસ્થિતિને ધ્યાને રાખીને સુરત જિલ્લા કલેકટર જણાવ્યુ હતુ કે, અત્યાર સુધી સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હતુ. પરંતુ હવે રેડ એલર્ટ થયુ છે. ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદનાં કારણે 56 ગામોમાંથી 8 ગામોનાં મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવાયા છે.
જયારે સુરત જિલ્લાના કુલ 28 રસ્તાઓ પણ પાણી ફરી વળતા કે પછી વિયર ઓવરફલો થતા બંધ કરી દેવાયા હતા. આ ઉપરાંત હરિપુરા વિયર કમ કોઝવે પણ બંધ કરી દેવાયો છે. હાલની સ્થિતિને જોતા સુરત શહેર અને જિલ્લામાં એક NDRFની ટીમ અને બીજી એક SDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે. હાલ ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં જ ભારે વરસાદ છે. જેમાં ઉમરપાડા તાલુકામાં ખાસ તકેદારી રખાઇ રહી છે. આ સિવાય અન્ય તાલુકાઓની સ્થિતિ કંટ્રોલમાં છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સતત નજર રાખી રહ્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500