હૈદરાબાદ એરપોર્ટ પર સુદાનની મહિલાઓ પાસેથી 7.89 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જોકે સુદાની 23 મહિલા મુસાફરો પાસેથી 7.89 કરોડની કિંમતનું 14.9 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, હૈદરાબાદ કસ્ટમ્સ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયમાં એરપોર્ટ પર દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા સોનાના આ સૌથી મોટા કન્સાઈનમેન્ટમાંથી એક છે. બાતમીના આધારે હૈદરાબાદ કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટે એરપોર્ટ પર આ કાર્યવાહી કરી હતી. તેમને ખબર મળી હતી કે, સુદાની મહિલાઓ શારજાહના રસ્તે સૂદાનથી ભારત પહોંચી હતી.
તપાસ ટીમે મુસાફરોનાં સામાનની વ્યાપક તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે, તેઓએ તેમના બૂટમાં, પગ નીચે અને કપડાંમાં સોનું છુપાવ્યું હતું. કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કે, આમાંથી ચાર મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે. કસ્ટમ અધિકારીઓએ કુલ 14.9 કિલો સોનું જપ્ત કર્યું હતું જેમાં 14.415 કિલો 22 કેરેટ અને 0.491 કિલો 24 કેરેટ સોનું હતું જેની કુલ કિંમત રૂપિયા 7.89 કરોડ થાય છે. આ વિદેશી પ્રવાસીઓ શારજાહ થઈને હૈદરાબાદ પહોંચ્યા હતા. કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ ઓફિસર આગળની કાર્યવાહી માટે તેમની પૂછપરછ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500