પુણા પોલીસની હદમાં રહેતી એક સગીરાને લગ્નની લાલચ આપીને વાલીપણાના કબજામાંથી ભગાડી જઈને દુષ્કર્મ આચરનાર પરણીત આરોપીને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવી ઈપીકો-376(3) તથા પોક્સો એક્ટની કલમ-6 હેઠળ 20 વર્ષની સખત કેદ, 25 હજાર દંડ ન ભરે તો વધુ 3 વર્ષની સાદી કેદની સજા તથા ભોગ બનનારને 50 હજાર વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે. મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની 30 વર્ષીય આરોપી શેઠારામ દેવારામ મેઘવાલ (રહે.સીતારામ નગર સોસાયટી, પુણાગામ) નાંએ ગત તા.19/1/2021નાં રોજ પુણા પોલીસની હદ વિસ્તારમાં રહેતી 15 વર્ષ 8 માસની વયની સગીરાને લગ્નની લાલચ આપીને વાલીપણાના કબજામાંથી ભગાડી ગયો હતો.
આરોપીને ભોગ બનનાર સગીરાને પીપોદરા સ્થિત હેપ્પી કોમ્પ્લેક્ષમાં 18-20 દિવસ રાખીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. ત્યારબાદ પોતાના વતન રાજસ્થાન લઈ જઈને આરોપીએ બળજબરીથી ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જેથી આ કેસમાં ભોગ બનનાર સગીરાની ફરિયાદી પિતાએ પુણા પોલીસમાં આરોપી વિરુધ્ધ ઈપીકો-363,366,376(3) તથા પોક્સો એક્ટની કલમ-4, 5(એલ)6 મુજબનો ગુનાની ફરિયાદ નોંધાવી હતી.
જેથી પુણા પોલીસે આરોપીની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરી જેલભેગો કર્યો હતા.આજરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા સરકારપક્ષે એપીપી દિપેશ દવેની રજુઆતોને માન્ય રાખી આરોપી શેઠારામ મેઘવાલને ઉપરોક્ત તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. જેથી આરોપીના બચાવપક્ષે આરોપી વિધવા માતાનો એક માત્ર કમાનાર પુત્ર હોઈ ભરણ પોષણની જવાબદારી તેના શિરે હોઈ ઓછામાં ઓછી સજા કરવા માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે, ભોગ બનનાર માત્ર 15 વર્ષની છે.
આરોપી પરણીત હોવા ઉપરાંત ભોગ બનનાર સગીર છે તે જાણતો હોવાં છતાં તેને ભગાડી જઈને એકથી વધુવાર દુષ્કર્મ આચર્યું છે. જેથી હાલમાં આવા ગુના વધતાં જતા હોઈ સમાજમાં દાખલો બેસે તે માટે મહત્તમ સજા કરવા માંગ કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી આરોપીને ઉપરોક્ત કેદ તથા દંડ અને ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, સમાજમાં આવા ગુનાનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. વધુમાં પોક્સો એક્ટનો મુખ્ય આશય પણ ધ્યાને લેવામાં આવે તો બાળકની સાથે થતાં જાતીય અપરાધોની સામે રક્ષણ પુરું પાડવાનો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500